Sun Jul 26 2026

Logo

યુપીમાં એક જ વ્યક્તિએ બે અલગ જિલ્લામાં 17 વર્ષ સુધી કરી બે સરકારી નોકરી, કોર્ટે ફટકારી સજા

2026-03-12 11:02:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બારાબંકી અને પ્રતાપગઢ જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સરકારી સિસ્ટમની સુરક્ષા અને દેખરેખ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક શખ્સે વર્ષો સુધી બે અલગ-અલગ જિલ્લાના બે જુદા જુદા સરકારી વિભાગોમાં નોકરી કરી અને બંને સ્થળેથી નિયમિત પગાર તેમજ ભથ્થાં મેળવ્યા. જોકે, કાયદાના હાથ લાંબા હોય છે અને આખરે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. અદાલતે આ મામલે કડક વલણ અપનાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ સમગ્ર કૌભાંડ સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારના નરૌલી ગામના રહેવાસી જયપ્રકાશ સિંહ દ્વારા આચરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે જયપ્રકાશની નિમણૂક 1993માં બારાબંકી જિલ્લામાં શિક્ષક તરીકે થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલા તે 1979થી પ્રતાપગઢ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગમાં નોન-મેડિકલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતો. તેણે બંને જગ્યાએ એક જ માર્કશીટ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા અને લગભગ 17 વર્ષ સુધી બંને નોકરીઓ એકસાથે ચાલુ રાખી હતી.

આ હાઈપ્રોફાઈલ છેતરપિંડીનો મામલો વર્ષ 2009માં સામે આવ્યો જ્યારે પ્રભાત સિંહ નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ માહિતીના અધિકાર (RTI) હેઠળ વિગતો મંગાવવામાં આવી હતી. જ્યારે બંને જિલ્લાના રેકોર્ડ્સની સરખામણી કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. RTI ના દસ્તાવેજોએ સ્પષ્ટ કરી દીધું કે જયપ્રકાશ સિંહ એક જ સમયે બે જગ્યાએ સરકારી કર્મચારી તરીકે નોંધાયેલા હતા અને સરકારી તિજોરીને લાખોનો ચૂનો લગાવી રહ્યા હતા.

બારાબંકીની CJM સુધા સિંહની અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને જયપ્રકાશ સિંહને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે તેને 7 વર્ષની સખત કેદની સજા અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, અદાલતે અત્યાર સુધી બંને નોકરીઓમાંથી મેળવેલા પગારની પૂરેપૂરી રકમ વસૂલ કરવાનો પણ આદેશ આપ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે તે સમયે રેકોર્ડ ડિજિટલ ન હોવાને કારણે આ છેતરપિંડી લાંબો સમય ચાલી શકી, પરંતુ ડિજિટલ યુગમાં હવે આવા ગુનાઓ પકડાઈ જાય છે.