Fri Sep 04 2026

Logo

સ્વતંત્રતા પર્વે કચ્છમાં અસામાન્ય ગુલાબી ઠંડી: ૫૦૦૦ કિમી લાંબો 'રેઈન હાઈવે' જવાબદાર

2026-08-15 11:18:00
Author: Mumbai Samachar Team
સ્વતંત્રતા પર્વે કચ્છમાં અસામાન્ય ગુલાબી ઠંડી: ૫૦૦૦ કિમી લાંબો 'રેઈન હાઈવે' જવાબદાર

ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ૮૯ ટકા ભેજ અને તેજ પવનોને કારણે 'વિન્ડ ચિલ ઈફેક્ટ'; ગાઢ વાદળોના લીધે તાપમાન ગગડ્યું

ભુજઃ  કચ્છમાં દેશના ૮૦માં સ્વતંત્રતા દિવસની વહેલી સવારે એક અસાધારણ હવામાન પરિવર્તન અનુભવવા મળ્યું હતું. ઓગસ્ટ મહિનાના ધોમધખતા તાપ અને ઉકળાટ વચ્ચે ભુજ સહિત સમગ્ર કચ્છમાં શિયાળા જેવી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રીથી ૨૭ ડિગ્રી સે.આસપાસ રહ્યું હતું, પરંતુ ૮૯ ટકા સુધીના ઊંચા ભેજના પ્રમાણ અને કલાકના ૨૪ કિલોમીટરની ઝડપે ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમી પવનોને કારણે સક્રિય બનેલી 'વિન્ડ ચિલ ઈફેક્ટ'ના લીધે વાતાવરણમાં ચમકારો અનુભવાયો હતો.

હવામાન નિષ્ણાતોના મતે, આ અસામાન્ય ઠંડક પાછળ પાકિસ્તાનથી શરૂ થઈને ભારતના ઉત્તરીય રાજ્યો અને કચ્છ પરથી પસાર થઈ છેક ચીન સુધી વિસ્તરેલો ૫,૦૦૦ કિલોમીટર લાંબો 'મોન્સૂન રેઈન હાઈવે' મુખ્ય કારણ છે. સેટેલાઇટ તસવીરોમાં દેખાતી આ વિશાળ વાદળોની ચાદરને કારણે આકાશ સંપૂર્ણપણે ઢંકાયેલું રહ્યું હતું, જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શક્યો ન હતો. આ ઉપરાંત વરસાદી ઝાપટાં અને બાષ્પીભવનની પ્રક્રિયાથી વાતાવરણ વધુ આહલાદક બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભુજમાં ઓગસ્ટ માસનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન ૫ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ ૨૦ ડિગ્રી સે. નોંધાયું હતું. આગામી ૨૪ કલાક દરમિયાન પણ વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટાંની શક્યતા હોવાથી સવારની આ ગુલાબી ઠંડી જળવાઈ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

(ઉત્સવ વૈદ્ય)