Sun May 17 2026

Logo

કેન્દ્રીય પ્રધાન અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું લોકાર્પણ કર્યું

2026-05-17 15:10:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 
આ પ્રસંગે અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓના ડીએનએમાં ડેવલપમેન્ટ છે. આજે લોકાર્પણ કરાયેલા આ બંને પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબથી આગળ વધારી વૈશ્વિક સેવા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બનાવવાના વિઝનને નવી દિશા આપશે.

તેમણે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ થ્રીમાં લાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતે આર્થિક ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ દ્વારા રાજ્યમાં હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઊભી થશે.
 
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાવસાયિકતા અને આધુનિકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંસ્થામાં આધુનિક અર્બન પ્લાનિંગ, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો તથા વૈશ્વિક ધોરણોને અનુરૂપ તાલીમ દ્વારા કુશળ માનવસંસાધન તૈયાર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આજે ટેક્નોલોજી, ઉદ્યોગ અને આધુનિક માળખાકીય વિકાસના ક્ષેત્રમાં દેશને નવી દિશા આપી રહ્યું છે. આવી વિશિષ્ટ સંસ્થાઓ અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં સહાયક બનશે.