Fri May 01 2026

Logo

સલીમ ડોલા તુર્કીમાં બલ્ગેરિયન પાસપોર્ટ પર ‘હમઝા’ નામથી રહેતો હતો

2026-05-01 19:43:39
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત અને ડ્રગ નેટવર્કનો સૂત્રધાર મોહંમદ સલીમ ડોલા તુર્કીમાં બલ્ગેરિયન પાસપોર્ટ પર રહેતો હતો અને તેણે પોતાનું નામ ‘હમઝા’ રાખ્યું હતું, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. 

ભારતે માર્ચ, 2024માં કરેલી વિનંતીને પગલે ઇન્ટરપોલ દ્વારા સલીમ ડોલા સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઇ હતી અને તેને આધારે તુર્કીથી ડોલાની ધરપકડ કરાઇ હતી. ડોલાને મંગળવારે દિલ્હી લવાયો હતો અને ત્યાંની કોર્ટે તેને મુંબઈ લઇ જવા માટે નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા.

ડોલાને બુધવારે સાંજે મુંબઈ લવાયો હતો અને 2023ના ડ્રગ્સ જપ્તી કેસમાં તેની ધરપકડ કરાઇ હતી. ગુરુવારે ડોલાને કોર્ટમાં હાજર કરાતાં તેને 8 મે સુધીની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. ભારતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના દાખલ અનેક કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડોલા તુર્કીમાં બલ્ગેરિયન પાસપોર્ટ પર ‘હમઝા’ નામ ધારણ કરીને રહેતો હતો. ડોલાને જે કેસમાં કસ્ટડી ફટકારવામાં આવી છે તે 2023માં દક્ષિણ મુંબઈમાં 20 કિલોગ્રામ એમડી (મેફેડ્રોન)ની જપ્તીનો છે. 

દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારનો રહેવાસી ડોલા ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ હતો. તેણે વિદેશમાં રહીને દેશના વિવિધ ભાગોમાં મેફેડ્રોન વિતરણના નેટવર્કનું સંચાલન અને વિસ્તરણ કર્યું હોવાનું તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)