Thu Jul 23 2026

Logo

દાન ચોરી પર કોંગ્રેસ કાઢશે 'સદબુદ્ધિ યાત્રા' તો ઉદ્ધવનું 'રામ રક્ષા આંદોલન'

2026-07-06 16:04:29
Author: Mumbai Samachar Team
Article Image

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી થવા અને દાનમાં નાણાકીય ગેરરીતિઓના મામલે રાજકારણ ગરમાયું છે. સપા (સમાજવાદી પાર્ટી) પ્રમુખ અખિલેશ યાદવ સતત આ મુદ્દાને રાજકીય ધાર આપવામાં લાગેલા છે. હિંદુત્વ અને રામ મંદિરના મુદ્દે ફ્રન્ટફૂટ પર રમનારી ભાજપને ઘેરવા માટે સપાની સાથે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. વિપક્ષી પક્ષો આ દાન ચોરીને 'આસ્થા પર પ્રહાર' તરીકે રજૂ કરી રહ્યા છે.

કોંગ્રેસે મંગળવારે 'સદબુદ્ધિ પદયાત્રા' દ્વારા જનતાની વચ્ચે રામ મંદિરની દાન ચોરીનો મુદ્દો લઈ જવાની યોજના બનાવી છે, તો બીજી તરફ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈથી 'રામ રક્ષા આંદોલન' શરૂ કરીને ભાજપના કોર હિંદુત્વના એજન્ડાને જ પડકારવાનો દાવ ખેલ્યો છે. આ રીતે, વિપક્ષ હવે રામ મંદિરની દાન ચોરીને રાજકીય મુદ્દો બનાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યો છે.

કોંગ્રેસની 'સદબુદ્ધિ પદયાત્રા'

દાન ચોરી થવાના મામલે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં રસ્તા પર ઉતરવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અયોધ્યાના શ્રીરામ મંદિરમાં કથિત દાન ચોરી અને નાણાકીય ગેરરીતિઓ વિરુદ્ધ મંગળવારથી 'સદબુદ્ધિ પદયાત્રા' શરૂ કરવામાં આવી રહી છે. આ યાત્રાના બહાને કોંગ્રેસ દાનની ચોરી કરનારાઓને જેલમાં મોકલવાની અને આખા મામલાની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે કરાવવાની માંગ કરશે.

ઉદ્ધવ ઠાકરેનું 'રામ રક્ષા આંદોલન'

અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના મામલાને લઈને સૌથી આક્રમક વલણ શિવસેના (યુબીટી) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અપનાવ્યું છે. મુંબઈના દાદરના ઐતિહાસિક હનુમાન મંદિરથી શિવસેના (યુબીટી) એ 'રામ રક્ષા આંદોલન'ની શરૂઆત કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. દાદરમાં ભગવા વસ્ત્રો પહેરેલા સેંકડો લોકો એકઠા થયા હતા. અહીં હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવામાં આવ્યા હતા.

વરસાદની વચ્ચે પણ ઉદ્ધવ ઠાકરેએ ભીડને સંબોધિત કરીને 'રામ રક્ષા આંદોલન'ની ઔપચારિક શરૂઆત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતે હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રના પાઠ સાથે આ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેમણે પોતાની પાર્ટીના કાર્યકરોને આ આંદોલનને મહારાષ્ટ્રના ગામેગામ અને દરેક રામ-હનુમાન મંદિર સુધી લઈ જવાનું આહવાન કર્યું છે. તેમણે 'ભાજપ-મુક્ત રામ'નો નારો બુલંદ કરતા કહ્યું કે ભગવાન રામ કોઈ એક પક્ષની બાપદાદાની મિલકત નથી, પરંતુ તે સૌના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે આ આંદોલન હવે અટકશે નહીં. મુંબઈથી આની શરૂઆત થઈ છે અને હવે તે આખા મહારાષ્ટ્રમાં થશે.

કોંગ્રેસ અને ઉદ્ધવની યાત્રાનો હેતુ

કોંગ્રેસના કાર્યકરો રાજ્યના વિવિધ ભાગોમાં 'સદબુદ્ધિ પદયાત્રા' કાઢી રહ્યા છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ સરકાર અને મંદિર પ્રશાસનને 'સદબુદ્ધિ' આપવા માટે પ્રાર્થના કરવાનો અને જનતાને જાગૃત કરવાનો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભગવાન રામના નામે રાજકારણ કરનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો છે.

રામ મંદિર આંદોલન સાથે શિવસેના જોડાયેલી રહી છે. ઉદ્ધવ ઠાકરેના પિતા બાલાસાહેબ ઠાકરે મંદિર આંદોલનની આગેવાની કરનારાઓમાંથી એક રહ્યા છે, પરંતુ ઉદ્ધવ દ્વારા ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ, ભાજપ તેમને હિંદુ વિરોધી ચિતરવામાં લાગેલી છે. આવા સમયમાં, ઉદ્ધવ ઠાકરે હવે રામ મંદિરના દાન ચોરીના બહાને પોતાની છબીને હિંદુત્વના રંગમાં રંગવા માટે લાગી ગયા છે અને ભાજપને નિશાન બનાવી રહ્યા છે.