મુંબઈઃ વિધાનસભા અને વિધાન પરિષદમાં અજિત પવારનો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારનો શોક પ્રસ્તાવ રજૂ કર્યો, તે સમયે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા.
"રાજકારણમાં માણસો આવે છે અને જાય છે, પણ અમુક માણસો ગયા પછી તેમની ખોટ ખૂબ જ વર્તાય છે. આજે મેં મારો એક દિલદાર અને અત્યંત ભરોસાપાત્ર મિત્ર ગુમાવ્યો છે, એવા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
અજિત દાદા સાથેની રાજકીય સફરનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, "અમારી કારકિર્દીની શરૂઆત અલગ હતી, અમે ક્યારેય સાથે આવીશું એવું લાગ્યું નહોતું. એ સવાર એવી હતી જેણે સૌને ચોંકાવી દીધા હતા, પરંતુ જ્યારે અમે મહાવિકાસ આઘાડીના નિમિત્તે સાથે આવ્યા, ત્યારે મને સમજાયું કે અજિત દાદા જેવો માણસ મિત્ર તરીકે કેટલો કિંમતી છે. મુખ્ય પ્રધાન તરીકે કામ કરતી વખતે મને વહીવટનો અનુભવ નહોતો, પરંતુ દાદાએ એક અનુભવી અને વિશ્વાસુ સાથી તરીકે મને મજબૂત સાથ આપ્યો હતો.
મુશ્કેલીના સમયે તેમણે રાજ્યનું નાણા મંત્રાલય સંભાળ્યું હતું. મને જ્યારે કોઈ અનુભવ નહોતો, ત્યારે તેમણે એક ભરોસાપાત્ર સાથી તરીકે કામ કર્યું. ઘડિયાળ અને સમય... કદાચ એટલે જ તે અજિતદાદાની નિશાની હતી, દાદા હંમેશાં સમયસર આવતા. વિષય લઈને આવતા અને કામ પૂરું થાય એટલે તરત જ નીકળી જતા - આવી કેટલીક યાદો ઉદ્ધવ ઠાકરેએ તાજી કરી હતી.