મહેસાણા: મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વૃંદાવન સોસાયટીમાં 3 ઓગસ્ટની સાંજે એક કાળજું કંપાવતો અકસ્માત સર્જાયો. સોસાયટીમાં જ રહેતા સગીર વયના ચાલકે બોલેરો કાર ગફલતભરી રીતે હંકારી ઘરના આંગણામાં બેઠેલાં વૃદ્ધા, સગીરા અને એક માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં વૃદ્ધા અને સગીરાનું સારવારમાં મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકીને ગંભીર ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. કારની સ્પીડ 100થી વધુની હોવાથી દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. આ ઘટના બાદ બોલેરો કારનો ચાલક દક્ષ સૈની ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બેચરાજી પોલીસ મથકે આરોપી ચાલક સામે ગુનો નોંધાયો છે. હાલ આ ફરાર ચાલકને શોધવાની કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, વૃંદાવન સોસાયટીના કોમન પ્લોટમાં બોલેરો કાર માટીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ચાલકે જોરથી એક્સિલરેટર આપતાં કાર અચાનક કાબૂ બહાર થઈ ગઇ હતી. ત્યારબાદ બોલેરો સીધી ઘર આંગણે ઘૂસી ગઈ અને ત્યાં બેઠેલી મહિલાઓને અડફેટે લીધી હતી. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
માટીમાંથી ગાડી કાઢવા જતા એક્સિલેટર વધતા અકસ્માત
સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર (HR-76-L-3235) કાચી માટીમાં ફસાઈ ગઈ હતી. કારચાલક દક્ષ
પ્રવિણભાઈ સૈનીએ ગાડી બહાર કાઢવા માટે સખત એક્સિલેટર આપતાં કાર અચાનક પૂરઝડપે આગળ ધસી આવી હતી. પૂરઝડપે કારે ઘરના આંગણામાં બેઠેલાં કંચનબેન દરજી, તેમની પૌત્રી હાર્વી અને પડોશીની દીકરી સોનલબેનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટીને જમીનદોસ્ત થઈ ગયા હતા.
વૃદ્ધા અને સગીરાનું સારવારમાં મોત
ઘટના બાદ કારચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં કંચનબેનનું મહેસાણા અને સગીરા સોનલનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકી હાર્વીને થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે. આ મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક દક્ષ સૈની સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.