Sun Sep 06 2026

Logo

રાપરમાં દર્દ દૂર કરવાની વિધિના નામે દાગીના પડાવી લેતી ઠગ ત્રિપુટી ઝડપાઈ

2026-08-09 13:48:46
Author: Mumbai Samachar Team
રાપરમાં દર્દ દૂર કરવાની વિધિના નામે દાગીના પડાવી લેતી ઠગ ત્રિપુટી ઝડપાઈ

ભુજ: સીમાવર્તી કચ્છના વાગડ પંથકમાં શરીરનો દુખાવો દૂર કરવાની ચમત્કારિક વિધિના બહાને ઘરમાં પ્રવેશી દાગીના પચાવી પાડતી ઠગ ગેંગનો રાપર પોલીસે પર્દાફાશ કરી ત્રણેય ધૂતારાઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાપરના કલ્યાણપર ગામે એક રબારી પરિવારને નિશાન બનાવી ઠગ ત્રિપુટીએ ખભાનો દુખાવો મટાડવાની વિધિના નામે માટીની કુલડીમાં સોના-ચાંદીના દાગીના મુકાવ્યા હતા. પરિવારજનોને આંખો બંધ કરી પ્રાર્થના કરવાનું કહીને ઠગબાજોએ દાગીના ભરેલી કુલડી બદલી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘરના નાના પુત્રની નજર પડી જતાં સમગ્ર કારસો ખુલ્લો પડી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ રબારી સમાજના યુવાનો અને પોલીસે આડેસર ધોરીમાર્ગ પર નાકાબંધી ગોઠવી હતી. રાપર વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર આર.એલ. ખટાણા અને તેમની ટુકડીએ સીસીટીવી તથા મોબાઈલ લોકેશનના આધારે ગરામડી નજીકથી મોટરકાર આંતરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. તાલુકામાં અન્ય સ્થળોએ પણ આવી ઠગાઈ આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.