Tue May 05 2026

Logo

ગુજરાતના વિધાનસભ્યોને બખ્ખાં, રાજ્ય સરકારે શું કરાવ્યો વધારાનો આર્થિક ફાયદો ?

2026-05-05 12:49:00
Author: Savan Zalariya
Article Image

ગાંધીનગર: ગુજરાતના વિધાનસભ્યોને મળતી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભ્યોને મુસાફરી માટે  વધારાના અધિકારો આપવામાં આવ્યા છે. હવે વિધાનસભ્યો ભારતીય રેલ્વેની વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ રેલ્વે સેવાઓ સહિત તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં રાજ્ય સરકારના ખેર્ચે મુસાફરી કરી શકશે. 

ગુજરાત વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે સમગ્ર ભારતમાં ગુજરાતના વિધાનસભ્યોને હાલના રેલ્વે મુસાફરીના વિશેષાધિકારોનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના ગેઝેટ (અસાધારણ) માં સત્તાવાર આદેશ પ્રકાશિત કરવામાં આવ્યો છે.  જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત વિધાનસભા સભ્યોના પગાર અને ભથ્થા અધિનિયમ, 1960 હેઠળ અત્યાર સુધી વિધાનસભ્યોને ટ્રેનના ફર્સ્ટ-ક્લાસ અથવા સેકન્ડ-ક્લાસ એર-કન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરવા માટે હકદાર હતાં. હવે વિધાનસભ્યો હવે વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ સેવાઓ સહિત તમામ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસ અથવા કોઈપણ વર્ગમાં મુસાફરી કરવા માટે પાત્ર બનશે.

સૂચનામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિધાનસભ્યોને હાલમાં મળી રહેલા મુસાફરીના લાભો ઉપરાંત, આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. કાયદાની કલમ 5B હેઠળ ઉલ્લેખિત અન્ય શરતોમાં આનાથી કોઈ ફેરફાર થતો નથી. વિધાનસભ્યોની મુસાફરીને અંગેની અન્ય તમામ સંબંધિત જોગવાઈઓ અમલમાં રહેશે.

સૂચનામાં જણાવવામાં આવ્યું કે આ આદેશ રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ કાયદાની કલમ 10 હેઠળ રચાયેલી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને જેને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે મંજૂરી આપી છે.  

આ સુધારેલા મુસાફરીનાં વિશેષાધિકારો 1 એપ્રિલ, 2026 થી પાછલી અસરથી લાગુ થશે.