Mon Aug 17 2026

Logo

કચ્છનો ‘ગાંડો બાવળ’: આજીવિકાનું ‘કલ્પવૃક્ષ’ કે પર્યાવરણનું ‘વિષવૃક્ષ’?

2026-08-14 12:39:00
Author: Mumbai Samachar Team
Article Image

મેક્સિકોથી કચ્છ સુધીનો પ્રવાસ: હેલિકોપ્ટરથી બીજાવપનથી શરૂ થયેલી સફર આજે બની માથાનો દુખાવો

ભુજ: રણને આગળ વધતું અટકાવવા અને બળતણની જરૂરિયાતો પૂરી કરવા માટે દાયકાઓ પહેલાં રોપવામાં આવેલો ‘ગાંડો બાવળ’ એટલે કે પ્રોસોપિસ જુલિફ્લોરા આજે કચ્છ અને સમગ્ર ગુજરાત માટે એક અત્યંત ચર્ચાસ્પદ વિષય બની ગયો છે. એક તરફ તે હજારો પરિવારો માટે રોજીરોટીનો આધાર અને 'કલ્પવૃક્ષ' સમાન છે, તો બીજી તરફ ભાતીગળ બન્ની પ્રદેશના ઘાસીયા મેદાનો અને પશુપાલન પર્યાવરણ માટે તે 'વિષવૃક્ષ' સાબિત થઈ રહ્યો છે.

વૈજ્ઞાનિક સંશોધનો અને રિસર્ચ પેપર્સ અનુસાર, ગાંડા બાવળના મૂળ મુખ્યત્વે મેક્સિકો, જમૈકા અને દક્ષિણ અમેરિકામાં રહેલા છે. તેની ૪૪ જેટલી પ્રજાતિઓમાંથી ૨૮ પ્રજાતિઓ એકલા આર્જેન્ટિનામાં જોવા મળે છે.

ભારતમાં તેના આગમન અંગે વિવિધ મતો પ્રવર્તે છે. સંશોધન પેપર 'પ્રોસોપિસ જુલિફ્લોરા: પાસ્ટ, પ્રેઝન્ટ ઍન્ડ ફ્યુચર' મુજબ, ઇ.સ. ૧૮૭૭માં અંગ્રેજો દ્વારા લેટિન અમેરિકા અને જમૈકાથી આંધ્રપ્રદેશના કુડપ્પા તથા અખંડ ભારતના સિંધ પ્રાંતમાં તેના બીજ લાવવામાં આવ્યા હતા. અન્ય એક અહેવાલ મુજબ ૧૮૫૭માં સિંધમાં તેનો પ્રવેશ થયો હતો.

૧૮૮૫-૧૮૮૬ દરમિયાન કચ્છના તત્કાલીન મહારાવ અને ત્યારબાદ ૧૯૩૦-૪૦ના દાયકામાં જોધપુરના રાજવીએ રણ વિસ્તારમાં રોપણી કરી તેને 'રોયલ ટ્રી' નામ આપ્યું હતું. ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. પી. એસ. ઠક્કર અને કચ્છના જાણીતા ઇતિહાસકાર દિલીપભાઈ વૈદ્યના જણાવ્યા મુજબ, ૧૯૬૦ના દાયકામાં દરિયાઈ ખારાશ અને રણને આગળ વધતું અટકાવવા વન વિભાગ દ્વારા મોટા પાયે વાવેતર શરૂ કરાયું હતું. ૧૯૭૫-૮૦ના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ઉપલેટા અને કચ્છના ખાલી વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફતે બીજ વહેરીને ગાંડા બાવળનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું.

ઓછા પાણીમાં, ખારાશ વાળી અને બંજર જમીનમાં પણ ઝડપથી ઊગી નીકળવાની અદભુત ક્ષમતાને કારણે આ પરદેશી વનસ્પતિ જોતજોતામાં સમગ્ર ક્ષેત્રમાં છવાઈ ગઈ. એક ડાળી કાપો ત્યાં દસ નવી ફૂટતી હોવાથી તથા અનિયંત્રિત ઝડપે વધતી હોવાથી સ્થાનિક ભાષામાં તેને ‘ગાંડો બાવળ’ નામ મળ્યું.

કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓ અને સ્થાનિક લોકો માટે આ વૃક્ષ આજીવિકાનું મુખ્ય સાધન બન્યું છે. 'ઇન્વેસિવ નેટવર્ક: અન ઍન્વાયર્મેન્ટલ હિસ્ટ્રી ઑફ ધ ઇન્ટ્રોડકશન ઑફ પ્રોસોપિસ જુલિફોરા ટુ બન્ની ગ્રાસલેન્ડ' નામના રિસર્ચ પેપરમાં સ્થાનિકોના હવાલાથી નોંધાયું છે કે, લોકો પેઢીઓથી આ બાવળમાંથી કોલસો બનાવીને નફો કમાઈ રહ્યા છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી  અને ઇઝરાયલના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, જો આ વૃક્ષનું યોગ્ય વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) કરવામાં આવે તો તે લાખો લોકોને રોજગારી આપી શકે છે. ગાંડા બાવળના લાકડામાંથી બનેલા ચારકોલનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. આ ઉપરાંત, તેના ફળ (પરડીયા)માંથી બ્રેડ, બિસ્કિટ, ચૉકલેટ, કૉફી અને શરબત જેવી વાનગીઓ પણ બનાવી શકાય છે.

એક સમયે રણને રોકવા માટે લવાયેલું આ વૃક્ષ આજે સ્થાનિક ઈકોસિસ્ટમ માટે માથાનો દુખાવો બની ગયું છે:

ગાંડા બાવળના આક્રમક ફેલાવાને કારણે કચ્છના વિશ્વપ્રસિદ્ધ બન્ની વિસ્તારના પરંપરાગત ઘાસના મેદાનો નાશ પામ્યા છે, જેનાથી સ્થાનિક વનસ્પતિઓ લુપ્ત થવાના આરે પહોંચી છે.

ડૉ.પી.એસ.ઠક્કરના જણાવ્યા મુજબ, ગાંડા બાવળના પાંદડામાં 'આલ્કલાઇડ' નામનું તત્વ હોય છે. તે ખાવાથી બન્ની વિસ્તારની લગભગ ૫૦ ટકા ગાયોના જડબાં કામ કરતાં બંધ થઈ ગયાં હતાં. આ ઉપરાંત, તેના ફળ (પરડીયા) ખાવાથી ગાયોના આંતરડામાં ગોળા થઈ જતા હોવાથી મોટા પાયે ગાયોના અકાળે મોત નીપજ્યા હતા.

ગાંડા બાવળના લાકડામાંથી બનતા કોલસાની માંગ અમદાવાદની મીલોથી લઈને દેશભરમાં વધી જતાં કચ્છમાં ગેરકાયદે વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ વકરી હતી. આ કાળો કારોબાર એટલો હિંસક બની ગયો હતો કે સપ્ટેમ્બર ૧૯૯૮માં ગેરકાયદેસર કોલસો પકડવા ગયેલા વન વિભાગના અધિકારીઓ સાથેના ક્ષત્રિય આગેવાન બાવજી જાડેજાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાના રાજકીય પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. તત્કાલીન ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાએ રાજીનામું ધરી દીધું હતું જેનો તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અસ્વીકાર કર્યો હતો. આ લોહિયાળ વિવાદ બાદ ગુજરાત સરકારે ગાંડા બાવળની કાપણી પર સામૂહિક પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી, જોકે પાછળથી પશુપાલકો અને સ્થાનિકોની આજીવિકાને ધ્યાનમાં રાખીને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા.

આજે ગાંડો બાવળ કચ્છના સામાજિક અને આર્થિક જીવન સાથે એ રીતે વણાઈ ગયો છે કે તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો કે મુક્તપણે વધવા દેવો એ બંને બાબતો મોટો પડકાર છે. પર્યાવરણવિદોના મતે, વનસ્પતિના આક્રમક ફેલાવાને રોકીને તેનો મર્યાદિત અને વૈજ્ઞાનિક ઢબે આર્થિક ઉપયોગ કરવો એ જ આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉકેલ હોઈ શકે છે.

ઉત્સવ વૈદ્ય