મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ 26 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. જો કે, આ ફિલ્મ ચાહકોને કઈ ખાસ પસંદ આવી નથી. દર્શકોના ખરાબ રિવ્યૂના કારણે અને કમાણીના આંકડા જોતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. મહત્વની વાત એ છે કે, બોક્સ ઓફિસ બાદ ઓટીટી પર પણ આ ફિલ્મ કઈ ખાસ કમાલ કરે તેવું લાગતું નથી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઓટીટી પર ‘ટોક્સિક’ ખૂબ જ ઓછા રૂપિયામાં વેચાઈ છે. ઓટીટી પર ‘ટોક્સિક’ કરતા અક્ષય કુમારની ‘હૈવાન’ વધારે મોંઘી વેચાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઓટીટી પર પણ ‘ટોક્સિક’ની કમાણી સાવ ઓછી
બોક્સ ઓફિસ પર યશની ફિલ્મ ‘ટોક્સિક’ અને અક્ષય કુમાર - સૈફ અલી ખાનની ‘હૈવાન’ એકેય સારૂ પ્રદર્શન કરી શકી નથી. બંને ફિલ્મોએ દર્શકોને નારાજ કર્યાં છે. લોકો જે આશાએ થિયેટરમાં આ ફિલ્મ જોવા ગયાં તેવું ખાસ તેમને લાગ્યું નહીં. કમાણીની આંકડાની વાત કરવામાં આવે તો બંનેમાં એક પણ ફિલ્મ હજી પોતાના બજેટ જેટલી પણ કમાણી કરી શકી નથી. પરંતુ ‘હૈવાન’ ફિલ્મે ઓટીટી પર બાજી મારી હોવાનું જાણવા મળ્યું છે. ઓટીટી પર ‘હૈવાન’ ને સારો પ્રતિસાદ મળશે તેનું લાગી રહ્યું છે.
‘હૈવાન’ ફિલ્મની ઓટીટી ડીલ લગભગ ફાઈનલ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 11 સપ્ટેમ્બેર રિલીઝ થયેલી ‘હૈવાન’ ફિલ્મની ઓટીટી ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. હજી તારીખ નક્કી નથી થઈ પરંતુ હા આગામી બેથી ત્રણ અઠવાડિયામાં તે ઓટીટી પર આવી જશે તેવું સૂત્રોનું કહેવું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ‘હૈવાન’ ફિલ્મના ડિજિટલ અને સેટેલાઈટના રાઈટ્સમાં 80 કરોડમાં ડીલ ફાઈનલ થઈ છે. સામે સુપરસ્ટાર યશ ‘ટોક્સિક’ની વાત કરવામાં આવે તો, આ ફિલ્મના રાઈટ્સ માત્ર 30 કરોડમાં વેચાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો કે, આ અંગે બંને ફિલ્મના મેકર્સ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
‘ટોક્સિક’ અને ‘હૈવાન’ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધોવાઈ
આ બંને ફિલ્મોએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ સામે ચાહકોએ એટલો સારો પ્રતિસાદ આપ્યો નથી. ‘ટોક્સિક’ રિલીઝ થયાના બે દિવસ સુધી બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી, પરંતુ પછી લોકોએ રિવ્યૂ ખરાબ આપ્યો એટલે તેની કમાણીમાં ધરખમ ઘટાડો આવ્યો હતો. બોક્સ ઓફિસ પર ‘હૈવાન’ની હાલત પણ એવી જ છે. આ ફિલ્મ 5મા દિવસે માત્ર રૂપિયા 70 લાખની કમાણી કરી શકી હતી. 2,976 શો હોવા છતાં તેની થીયેટર ઓક્યુપન્સી ઘટીને માત્ર 12 ટકા પર આવી ગઈ હતી.