Sun Apr 19 2026

Logo

મિસાઈલની દુનિયામાં કોનો છે દબદબો? અમેરિકા-રશિયાની ટક્કરમાં ભારતની 'બ્રહ્મોસ' કેવી રીતે પડી રહી છે ભારે...

2026-03-28 15:35:00
Author: Darshana Visaria
Article Image

વર્તમાન સમયમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે દુનિયાભરના વિવિધ દેશોની સુરક્ષાનું બજેટ, સંરક્ષણ મંત્રાલયને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે દુનિયાનો કયો દેશ સૌથી વધુ મિસાઈલોનું ઉત્પાદન કરે છે અને એમાં આપણા મેરા ભારત મહાનનો નંબર કેટલામો છે? જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો... 

દુનિયાભરમાં ડિફેન્સ ટેકનોલોજી અને મિસાઈલ પાવર એ કોઈપણ દેશની સુરક્ષા અને પ્રભુત્વનું પ્રતિક માનવામાં આવે છે. મિસાઈલના નિર્માણમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો વર્ષોથી દબદબો ધરાવે છે. આ બધા વચ્ચે આપણું ભારત પણ હવે 'બ્રહ્મોસ' અને 'અગ્નિ' જેવી અત્યાધુનિક મિઝાઈલો સાથે આ વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતીથી ઉભું થઈ રહ્યું છે.

અમેરિકા: ટેકનોલોજી અને બજેટનો રાજા
વાત કરીએ દુનિયાના સૌથી વધુ મિસાઈલનું ઉત્પાદન કરનારા દેશની તો અમેરિકા મિસાઈલનું ઉત્પાદન કરવામાં દુનિયામાં સૌથી મોખરે છે. લોકહીડ માર્ટિન અને રેથિયોન જેવી કંપનીઓ અત્યંત આધુનિક મિઝાઈલ ડિફેન્સ સિસ્ટમ બનાવે છે. અમેરિકાનું જંગી ડિફેન્સ બજેટ તેમને સતત નવી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરે છે.

રશિયા: લાંબી દૂરી અને વિનાશક શક્તિ
રશિયા તેની શક્તિશાળી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલો (ICBM) માટે જાણીતું છે. RS-28 Sarmat જેવી મિસાઈલો દુનિયાના કોઈપણ ખૂણે નિશાન સાધવા સક્ષમ છે. રશિયાની એન્ટી-મિસાઈલ શીલ્ડ સિસ્ટમ પણ વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચીન: ઝડપથી ઉભરતી મહાશક્તિ
ચીને તેની ડીએફ (Dongfeng) સિરીઝની મિસાઈલો દ્વારા પોતાની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કર્યો છે. ચીન સતત તેનું સંરક્ષણ બજેટ વધારી રહ્યું છે, જે તેને મિસાઈલ નિર્માણના ક્ષેત્રમાં અમેરિકા અને રશિયાની હરોળમાં લાવી રહ્યું છે.

ભારત: 'બ્રહ્મોસ' અને 'અગ્નિ' સાથેની વિશ્વસનીય તાકાત
ભારત માટે ડીઆરડીઓએ મિઝાઈલ ટેકનોલોજીનો પાયો નાખ્યો છે. ભારતની બ્રહ્મોસ મિસાઈલ એ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જે ચોકસાઈપૂર્વક નિશાન સાધવા માટે જાણીતી છે. આ સિવાય ભારતની અગ્નિ મિસાઈલ પરમાણુ સક્ષમ છે અને હજારો કિલોમીટર દૂર સુધી દુશ્મનોને નેસ્તનાબૂદ કરી શકે છે. ટૂંકમાં ભારત ધીમા પગલે પણ ખૂબ જ મજબૂતીથી દુનિયાના શક્તિશાળી દેશોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે, એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.