Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં આજે કેવું રહેશે હવામાન

2026-04-10 08:32:00
Author: Mayur Patel
ગુજરાતમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં આજે કેવું રહેશે હવામાન

 

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આગામી સાત દિવસ સુધી તાપમાનમાં વધારો થશે. હાલ એપ્રિલ મહિનામાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાનનો પારો ઝડપથી ઉંચકાશે. દક્ષિણ ભારતમાં ગરમી પરેશાન કરી શકે છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષની સંભાવના છ. પૂર્વ ભારતમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે.અમદાવાદમાં 35.7, ડીસામાં 37.1, અમરેલીમાં 36.1, રાજકોટમાં 37.1, કંડલામાં 36.2, ગાંધીનગર માં 35.4, વડોદરામાં 35.2, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજ્યમાં 12 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. 13-15 એપ્રિલ દરમિયાન કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

મહારાષ્ટ્રમાં  હાલ મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થાય. 10-13 એપ્રિલ દરમિયાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થઈ શકે છે. દેશના અન્ય રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં પણ કોઈ કાસ ફેરફાર નહીં થાય.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 11 એપ્રિલ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. આ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. ગાજવીજ અને 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સીધા પ્રભાવના કારણે આમ થશે.

દિલ્હી-એનસીઆરમાં પણ ગરમી વધશે. આગામી દિવસોમાં તાપમાન સામાન્યથી વધારે રહી શકે છે. મધ્ય પ્રદેશમાં સાયક્લોનિક સર્કુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે 11 એપ્રિલ સુધી 32 જિલ્લામાં આંધી-વરસાદનું એલર્ટ છે.