Mon Jul 27 2026

Logo

દિલ્લીથી કેરળ સુધી વરસાદની આગાહી, આ રાજ્યોમાં પડશે કરા

2026-06-05 08:31:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્લીઃ ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચુકી છે. દિલ્લીથી લઈ કેરળ સુધીના અનેક રાજ્યોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ચોમાસું કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક હિસ્સામાં પહોંચી ચુક્યું છે. ટૂંક સમયમાં ગોવા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તરના કેટલાક હિસ્સાને પણ આવરી લેશે.  આજે ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર અને મ.ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. 10 જૂન સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું  કે,  5 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારબાદ 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જૂન મહિનામાં ધમાકેદાર વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે જુલાઈ મહિનાને લઈને એક ચિંતાજનક સંકેત પણ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, જુલાઈ મહિનામાં પેસિફિક મહાસાગરમાં સક્રિય થનારી 'અલ નીનો' ની અસર ભારત અને ગુજરાતના ચોમાસા પર કેટલી રહેશે, તેના પર હવામાન વૈજ્ઞાનિકોની નજર રહેશે. અલ નીનોની સ્થિતિના કારણે જુલાઈમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી શકે છે.

 

દેશના અન્ય રાજ્યોના વાતાવરણ પર એક નજર

અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ હિમાલયના કેટલાક વિસ્તારમાં કરા પડવાની આગાહી કરી છે. 

ઉત્તર ભારતના લોકોએ આંધી-તોફાન અને ભારે પવનનો સામનો કરવો પડી શકે છે. દિલ્લી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે આંધી-તોફાનની શક્યતા છે. કેટલાક વિસ્તારમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

હવામાન વિભાગ પ્રમાણે, બિહારમાં 6 થી 8 જૂન સુધી હીટવેવની સંભાવના છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં પણ આવી સ્થિતિ રહેશે. ઓડિશામાં છૂટાછવાયા વરસાદ છતાં ગરમી અને ભેજના કારણે લોકોને અકળામણનો અનુભવ થશે. તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ આવી જ હાલત રહેશે.