અમદાવાદ/નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો ભીષણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, હરિયાણામાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો છે. દિલ્હી સહિત 10 રાજ્યોમાં લૂ ( હીટવેવ)નું એલર્ટ જાહેર કરાયું છે. વિશ્વના 20 સૌથી ગરમ શહેરોમાં 19 ભારતના હતા. જે ગંભીર સ્થિતિનો સંકેત આપે છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
હવામાન વિભાગ પ્રમાણે, દેશમાં લૂ નો નવો રાઉન્ડ શરૂ થયો છે. વિદર્ભ, મરાઠવાડા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના વર્ધા અને અકોલામાં સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. અહીં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મધ્ય તથા ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્યથી વધારે નોંધાશે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ પ્રમાણે, 27 એપ્રિલ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ત્રણ દિવસ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ બદલાવ નહીં આવે. જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળી હવા રહેશે, જેનાથી લોકોને ઉકળાટનો અનુભવ થશે.
🔥 Heat Wave Alert!
— India Meteorological Department (@Indiametdept) April 21, 2026
Heat wave conditions over Punjab, Haryana, and Uttar Pradesh are expected to persist for the next 3 days. The intense heat is also likely to gradually spread towards East India and adjoining parts of Central India during this period.
Stay hydrated 💧, avoid… pic.twitter.com/9kQmlA8OIy
25 એપ્રિલ સુધી હરિયાણા, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવની સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર પર બનેલું છે. જેના કારણે 24-26 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
ક્યાં પડશે વરસાદ
અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને આવતીકાલે વરસાદ સાથે ગાજવીજની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં 22 અને 25 એપ્રિલે વરસાદ દરમિયાન 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવાની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે. વિદર્ભમાં આજે વરસાદની સભાવના છે. અનેક જગ્યાએ કરા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 22-25 એપ્રિલ વચ્ચે તમિલનાડુ, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદની શક્યતા છે.