અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરમાં આગામી દિવસોમાં મોસમનો બેવડો મિજાજ જોવા મળશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધશે અને લૂની અસર જોવા મળશે. જ્યારે પહાડી અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ, આંધી અને હિમવર્ષાની સંભાવના છે. આગામી ચારથી પાંચ દિવસ ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. તેનાથી અનેક વિસ્તારમાં તાપમાન સામાન્યથી ઉપર પહોંચી જશે અને ગરમીનો પ્રકોપ વધશે.
ગુજરાતમાં પશ્ચિમના ગરમ અને સૂકા પવનો ફૂંકાતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં 41 .7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. અમદાવાદમાં 40.7, ગાંધીનગર 40.2, સુરેન્દ્રનગરમાં 41.4, કેશોદ 40.2, વડોદરામાં 40.4, કંડલામાં 40.7, ભૂજમાં 40.7 અને નલિયામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં સતત વધારો થશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્યિસ રહેશે. આઈએમડી અનુસાર આ રાજ્યોમાં ગરમ પવન ફૂંકાશે, જોકે વરસાદની શક્યતા નહીંવત છે.
⚠️ IMD Weather Alert !
— India Meteorological Department (@Indiametdept) April 12, 2026
⛈️ Isolated heavy rainfall with thunderstorm & lightning very likely over Sikkim today.
🌧️ Heavy rainfall likely over Arunachal Pradesh on 14th, 15th & 18th April.
⚡ Thunderstorm with lightning and rain likely over Assam & Meghalaya on 17th & 18th April.… pic.twitter.com/kgoagFbmCH
ઓડિશા, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. 16 થી 18 એપ્રિલ વચ્ચે આ વિસ્તારમાં તાપમાન વધી શકે છે. દક્ષિણ ભારતમાં વરસાદ અને ઉકળાટ બંનેનો અનુભવ થશે. તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તાપમાન વધશે. કેરળ અને કર્ણાટકમાં 13 થી 16 એપ્રિલમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજસ્થાનમાં આજે કાળઝાળ ગરમીનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદનું એલર્ટ છે, પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લામાં લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. બિહારમાં આજે ભીષણ ગરમીનું એલર્ટ છે, કેટલીક જગ્યાએ વરસાદથી ઠંડક થઈ શકે છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લામાં 50કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં 13 એપ્રિલે આંધી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પંજાબમાં પણ આજે ભારે પવન સાથે વરસાદનું એલર્ટ છે. હરિયાણામાં 13 એપ્રિલે હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આજે આંધી સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દક્ષિણ તમિલનાડુના કેટલાક હિસ્સામાં હળવા વરસાદનું પૂર્વાનુમાન છે.