Tue Jun 30 2026

Logo

આજનું રાશિફળ (30-06-26): મકર અને કર્ક રાશિને અચાનક મોટો ધનલાભ? જાણો તમારી રાશિ માટે દિવસ કેવો રહેશે

2026-06-30 08:26:00
Author: Darshana Visaria
Article Image


મેષઃ
મેષ રાશિમાં જ ગ્રહોના રાજકુમાર બુધ અસ્ત થઈ રહ્યો હોવાથી તમારે આગામી સમયમાં અત્યંત સાવધ રહેવાની જરૂર છે. માનસિક ઉત્તેજના અથવા ગુસ્સામાં આવીને લેવાયેલા નિર્ણયો મોટું નુકસાન કરાવી શકે છે, તેથી કોઈપણ મહત્વના દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં બે વાર વિચારજો. વાણી પર સંયમ નહીં રાખો તો કાર્યસ્થળ પર કે પરિવારમાં બિનજરૂરી વિવાદો ઊભા થશે. નાણાકીય મોરચે અણધાર્યા ખર્ચાઓ તમારું બજેટ ખોરવી શકે છે, માટે રોકાણના સાહસો ટાળવા. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને માથાનો દુખાવો કે અનિદ્રા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો. 

વૃષભઃ
આજનો દિવસવૃષભ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે, જ્યાં મહેનતના પ્રમાણમાં પરિણામ થોડું ધીમું મળી શકે છે. જોકે, લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કાર્યોમાં થોડી પ્રગતિ થતી જણાશે. વ્યાપાર ક્ષેત્રે નવી ભાગીદારી કે કરાર કરતા પહેલાં તમામ પાસાઓ ચકાસી લેવા હિતાવહ છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે બિનજરૂરી સ્પર્ધામાં પડવાને બદલે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ વિદેશથી વેપાર કરતા જાતકોને કોઈ મોટો ફાયદો કે ઓર્ડર મળી શકે છે. પરિવારનો સહયોગ મળતો રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. 

મિથુનઃ
બુધ મિથુન રાશિ સ્વામી હોવાથી તેના અસ્ત થવાને કારણે તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં થોડી નબળાઈ આવી શકે છે. મનમાં અજંપો અને દ્વિધા રહેશે, જેના કારણે વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ કરવામાં મુશ્કેલી નડશે. આર્થિક દ્રષ્ટિએ આવકના સ્ત્રોત મર્યાદિત જણાશે અને સામે પક્ષે ઘરના ખર્ચાઓ વધશે. વિદ્યાર્થીઓએ જો એકાગ્રતા નહીં રાખે તો અભ્યાસમાં ધાર્યું પરિણામ મેળવવું અઘરું બનશે. નોકરીમાં ટૂંકા રસ્તાઓ કે રાજકારણથી દૂર રહેવું. કૌટુંબિક જીવનમાં જીવનસાથીની સલાહ તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. 

કર્કઃ 
તમારા માટે આ ગોચર અત્યંત પ્રગતિશીલ અને સકારાત્મક પરિવર્તનો લાવનારું સાબિત થશે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દ્વાર ખોલશે. વ્યવસાયમાં નવા ગ્રાહકો અથવા ઓર્ડર મળવાને કારણે આર્થિક નફો બમણો થવાની સંભાવના છે. ભૂતકાળમાં કરેલા રોકાણો જેમ કે પ્રોપર્ટી કે શેર બજારમાંથી અચાનક મોટો ધનલાભ થઈ શકે છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા તથા માન-સન્માન વધશે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે માતા-પિતાની સેવા માટે સમય ફાળવવો પડશે, નહીં તો તેઓ નારાજ થઈ શકે છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવશે. ભાગ્યનો ભરપૂર સાથ મળવાને કારણે તમારી કારકિર્દી નવી ઊંચાઈઓ સર કરશે અને અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો કોઈ મોટી કંપની તરફથી આકર્ષક ઓફર મળી શકે છે. વ્યાપારીઓ માટે આ સમય નવી બજાર વ્યવસ્થા કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે ઉત્તમ છે, જે લાંબા ગાળે મોટો ફાયદો આપશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને વ્યાપાર અર્થે કરેલી મુસાફરીઓ સફળ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળશે.

કન્યાઃ 
કન્યા રાશિના સ્વામી બુધના અસ્ત થવાને કારણે આ સમયે આ રાશિના જાતકોએ ભાગ્ય કરતાં માત્ર અને માત્ર તમારી સખત મહેનત પર જ ભરોસો રાખવો પડશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધવાને કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે, પરંતુ ધીરજથી કામ લેવું. નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ સાવધાની રાખવી, કોઈના પર આંધળો વિશ્વાસ કરીને મોટી રકમ ઉધાર આપવી નહીં, નહીંતર પૈસા ફસાઈ શકે છે. વ્યાપારીઓએ ગ્રાહકો સાથે સોદાબાજી કરતી વખતે નમ્ર રહેવું. પરિવારના કોઈ વડીલ સભ્યની તબિયત બગડવાને કારણે દોડધામ થઈ શકે છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો માટે આ સમય થોડો કટોકટીભર્યો હોઈ શકે છે, પરસ્પર મતભેદો વ્યવસાયને નુકસાન પહોંચાડી શકે છે. નોકરીમાં તમારા વિરોધીઓ તમારી નાની ભૂલોને મોટી કરીને રજૂ કરવાનો પ્રયાસ કરશે, માટે કામની ગુણવત્તા પર ધ્યાન આપવું. આર્થિક મોરચે અણધાર્યા મેડિકલ ખર્ચાઓ આવી શકે છે, જે તમારું બજેટ ખોરવશે. પ્રેમ જીવનમાં ગેરસમજણો ઊભી થવાની સંભાવના છે, તેથી પાર્ટનર સાથે ખુલીને વાતચીત કરવી. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કોઈપણ જૂના કોર્ટ-કચેરીના મામલાઓ, જમીન વિવાદ કે વિરોધીઓ સામે ચાલી રહેલી લડાઈમાં આજે તમને મોટી રાહત કે વિજય મળી શકે છે. નોકરીમાં તમારા કામની પદ્ધતિથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે, જો કે સહકર્મીઓની ઈર્ષ્યાનો ભોગ બનવું પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય ઉત્તમ રહેશે અને જૂની લાંબી બીમારીઓમાંથી મુક્તિ મળશે. બેંક લોન કે કરજ ચૂકવવાની દિશામાં તમારા પ્રયાસો સફળ થશે. વ્યાપાર સામાન્ય ચાલશે પરંતુ ભવિષ્ય માટે આર્થિક આયોજન મજબૂત બનશે.

ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક અને સફળતા લઈને આવશે. બુધના અસ્ત થવાને કારણે સંશોધન, લેખન અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી થશે. સંતાન પક્ષ તરફથી શિક્ષણ કે કારકિર્દીમાં મોટી સફળતાના સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ આનંદિત અને ઉત્સવમય બની જશે. આર્થિક દ્રષ્ટિએ આવકના નવા સ્ત્રોત ખુલશે, પરંતુ સટ્ટાબજાર કે લોટરી જેવા જોખમી રોકાણોથી દૂર રહેવાની સલાહ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા અને પરસ્પર સમજના કારણે સંબંધ વધુ દ્રઢ બનશે. મિત્રો સાથે કોઈ નાની મનોરંજક સહેલગાહનું આયોજન થઈ શકે છે.

મકરઃ
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો તમારા માટે વરદાન સમાન સાબિત થશે, કારણ કે કુંડળીમાં બુધની શુભ સ્થિતિ તમારા તમામ અટકેલા કામો ઝડપથી પૂર્ણ કરાવશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ અને બોસનો પૂર્ણ સહયોગ મળશે, જેથી તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવ વધશે. વ્યવસાયમાં કોઈ મોટો નફાકારક કરાર (ડીલ) થઈ શકે છે અને વર્ષોથી ફસાયેલા કે ડૂબેલા નાણાં અચાનક પરત મળવાની શક્યતા છે. ઘરમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બનશે. માનસિક શાંતિ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને વર્તન બંને પર ખાસ નિયંત્રણ રાખવું પડશે.આજે તમારા આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસિક વૃત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળશે, જેના કારણે તમે વ્યવસાયમાં કેટલાક મોટા નિર્ણયો લેશો. ટૂંકી ધાર્મિક યાત્રા કે બિઝનેસ મીટિંગ્સ સફળ રહેશે અને તેનાથી ભવિષ્યમાં મોટા ફાયદાઓ થશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને તેમના સહયોગથી કોઈ પારિવારિક પ્રોપર્ટીનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં તમારી સખત મહેનતની પ્રશંસા અને યોગ્ય મૂલ્યાંકન થશે. જોકે, શેરબજાર કે ટૂંકા ગાળાના રોકાણોમાં ઉતાવળ ન કરવી. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. તમારી વાણી અને સંવાદ શૈલીમાં અદભુત પ્રભાવ જોવા મળશે, જેના કારણે તમે અટકેલા અને બગડેલા કામો પણ સરળતાથી પૂરા કરી શકશો. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને લાંબા સમયથી ચાલી આવતી ધનની તંગી દૂર થશે. વ્યાપારમાં ધનલાભના ઉત્તમ યોગ છે, પરંતુ નવી મોટી ડીલ સાઈન કરતી વખતે કાયદાકીય કાગળો બરાબર વાંચી લેવા. પરિવારમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ બહારના ખાવા-પીવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.