અમદાવાદઃ ગ્લોબોકેન-૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાના કેન્સરના કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકના મૃત્યુ થાય છે. જ્યારે વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે ૨૬ લાખથી વધુ નવા કેસ અને ૧૮ લાખથી વધુ દર્દીઓના મૃત્યુ નોંધાય છે, જે ફેફસાના કેન્સરને વિશ્વનું સૌથી વધુ મૃત્યુકારક કેન્સર બનાવે છે. શનિવારે 1લી ઑગસ્ટે વર્લ્ડ લંગ કેન્સર ડે નિમિત્તે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ફેફસાંના કેન્સરના આંકડા ચિંતા કરાવનારા છે.
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ) અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કેસોમાં સતત વધારો નોંધાયો છે. જીસીઆરઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૧માં ૮૧૩, ૨૦૨૨માં ૮૬૫, ૨૦૨૩માં ૯૩૩, ૨૦૨૪માં ૧,૦૮૬ અને ૨૦૨૫માં ૧,૧૩૩ મળીને કુલ ૪,૮૩૦ દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત નોંધાયા છે. જેમાં ૩,૯૩૧ (૮૧.૪%) પુરુષો અને ૮૯૯ (૧૮.૬%) મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં કેન્સરના કારણે થતા મૃત્યુમાં ફેફસાનું કેન્સર સૌથી મોટું કારણ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં રોગનું નિદાન મોડું થાય છે. પરંતુ યોગ્ય જાગૃતિ, તમાકુનો સંપૂર્ણ ત્યાગ, સમયસર તપાસ અને અદ્યતન સારવાર દ્વારા દર્દીઓનું જીવન બચાવવાની સંભાવના નોંધપાત્ર રીતે વધારી શકાય છે.
ફેફસાના કેન્સર માટે બીડી, સિગારેટ તથા તમાકુનું સેવન, પરોક્ષ ધૂમ્રપાન, હવાનું પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા પદાર્થોના લાંબા સમય સુધી સંપર્કમાં આવવું એ મુખ્ય જોખમકારક પરિબળો છે. જો લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, ઉધરસમાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અવાજમાં ફેરફાર થવો કે અચાનક વજન ઘટવું જેવા લક્ષણો જણાય, તો તેને સામાન્ય ગણીને અવગણવા નહીં અને એ તકલીફની તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.