Fri Sep 04 2026

Logo

માર્ચમાં જ કાળઝાળ ગરમી: અમદાવાદ-રાજકોટમાં પારો ચઢ્યો, હીટવેવની આગાહી

2026-03-05 08:43:00
Author: Mayur Patel
માર્ચમાં જ કાળઝાળ ગરમી: અમદાવાદ-રાજકોટમાં પારો ચઢ્યો, હીટવેવની આગાહી

 

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાલા વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  6 માર્ચ સુધી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભેજવાળી હવાના કારણે અકળામણનો અનુભવ થશે. જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે.

રાજ્યમાં ક્યાં નોંધાયું કેટલું તાપમાન

હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે નોંધાયું છે. રાજયમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, અમરેલીમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સુરત, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં 37 ડિગ્રી જ્યારે ભુજ, ભાવનગર, વેરાવળમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે

માર્ચની શરૂઆતમાં જ તાપમાન 37-38 ડિગ્રીની  આસપાસ પહોંચતા વહેલા ઉનાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. દમણ અને વેરાવળ જેવા દરિયાકાંઠાના સ્ટેશનો દરિયાઈ પ્રભાવને કારણે પ્રમાણમાં ઠંડા રહ્યા હતા. હવામાન વિભાગ મુજબ,  માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે.

અમદાવાદમાં પારો 39 ડિગ્રી પર પહોંચશે

આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. ગુરુવારે  મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.  ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 11 માર્ચ સુધી સૂકું હવામાન યથાવત રહેશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે અકળામણ

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને આગામી ત્રણ દિવસ દરમિયાન, ખાસ કરીને બપોરના સમયે ગરમી અને બફારાને કારણે થતી અકળામણથી સાવધ રહેવાની સલાહ આપી છે.