Wed Jul 29 2026

Logo

તિરુપતિ બાલાજીનો સૌથી શ્રીમંત મંદિરમાં સમાવેશ

2026-07-13 08:59:00
Author: Umesh Trivedi
Article Image

 

ઉમેશ ત્રિવેદી

આંધ્ર પ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિરની ગણના દુનિયાના સૌથી શ્રીમંત મંદિરોમાં થાય છે. આ મંદિરમાં દર મહિને 60 હજારથી વધારે લોકો દર્શન કરતા આવે છે. અહીં ભગવાન વેંકટેશ્વરની પૂજા થાય છે. જે વિષ્ણુના જ અવતાર ગણાય છે. આ મંદિરના અનેક નામ છે. તેમાં વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુમાલા મંદિર, તિરુપતિ મંદિર અને તિરુપતિ બાલાજી મંદિર જેવાં નામોનો સમાવેશ થાય છે. આ મંદિરનો કારભાર તિરુમાલા તિરુપતિ દેવ સ્થાનમાં (ટીટીડી) દ્વારા સંભાળવામાં આવે છે, જે આંધ્ર પ્રદેશ સરકારની સ્વાગત સંસ્થા છે અને ટીટીડીમાં અધ્યક્ષની નિમણૂક આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવે છે.

તિરુમાલાની ટેકરી પર આ મંદિર આવેલું છે, જે દરિયાથી લગભગ 900 મીટરની ઊંચાઇએ છે. તિરુમાલાની સાત ટેકરીઓ છે. જે આદિશેષ એટલે કે શેષનાગના સાત માથા છે એવી લોકવાયકા છે. આ સાત ટેકરીમાંથી એક પર આ મંદિર બાંધવામાં આવ્યું છે. જે દ્રાવિડિયન સ્થાપત્યનું અનોખું ઉદાહરણ છે. તિરુપતિ બાલાજી મંદિરને સાત ટેકરીવાળા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્રીજી સદી એટલે કે લગભગ 1,800 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે એમ મનાય છે. સૌ પ્રથમ અહીં ટોન્ડાઇમન શાસકોનું રાજ હતું, પછી ચોલા, પાંડયા અને વિજયનગરના શાસકોએ આ મંદિરની દેખભાળ કરી હતી. આ મંદિરમાં  ભગવાન વેંક્ટેશ્વરની જે મૂર્તિ છે તેનું મુખ પૂર્વ દિશા તરફ છે. ભગવાન વિષ્ણુના આઠ સ્વયંભૂ મંદિર છે, તેમાં આ મંદિરનો સમાવેશ થાય છે.

આ મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. કળિયુગની શરૂઆત પહેલાં વિષ્ણુ  ભગવાને નારદમુનિને માનવોના રક્ષણ માટે કોઇ સારું સ્થળ શોધવાનું જણાવ્યું હતું. ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના રક્ષણ માટે પૃથ્વી પર કોઇ સારાં સ્થળની શોધમાં હતા. ત્યારે નારદમુનિએ તેમને દક્ષિણ ભારતમાંની સ્વર્ણમુખી નદી નજીકની જગ્યાનું સૂચન કર્યું હતું. તે સમયે શેષનાગે સાત માથા સાથે અહીં વસવાટ કર્યો અને અહીં સાત ટેકરીઓ ઉત્પન્ન થઇ. તેથી આ વિસ્તારને શેષચલની તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષ્ણુએ  ત્યારે ભગવાન વેંકટેશ્વરનું રૂપ ધારણ કર્યું અને આ સાત ટેકરીમાંથી એક પર વસવાટ કરવાનો નિર્ણય કર્યો.

બીજી લોકવાયકા ભૃગુ ઋષિની છે. એકવાર ભૃગુ ઋષિ ભગવાન શિવ અને બ્રહ્માને મળવા ગયા, પણ બંને ભગવાન ‘બિઝી’ હતા એટલે તેઓ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને મળવા પહોંચ્યા. વિષ્ણુ ત્યારે આરામ ફરમાવી રહ્યા હતા. ભગવાન વિષ્ણુને ઉઠાડવા માટે ભૃગુ ઋષીએ તેમને લાત મારી. માતા લક્ષ્મીને આ અપમાન જેવું લાગ્યું. એટલે તેઓ ગુસ્સામાં વૈકુંઠ છોડી ચાલી ગયાં. ભગવાન વિષ્ણુને આ વાતની જાણ થઇ તો તેઓ લક્ષ્મીની શોધમાં હિમાલયથી લઇને ગંગા સુધી ફરી વળ્યા. ત્યારે તેઓ આ શેષાચલમ વિસ્તારમાં આવ્યા જે તેમને વૈકુંઠ જેવું જ લાગ્યું. તે સમયે તેમને માતા લક્ષ્મી પણ મળ્યા અને પછી બંનેએ અહીં જ રહેવાનું નક્કી કર્યું.

માતા લક્ષ્મીએ કલિયુગમાં પદમાવતીનું રૂપ ધારણ કર્યું અને વિષ્ણુ ભગવાને વેંકટેશ્ર્વરનું રૂપ ધારણ કર્યું. આ મંદિરના ઇતિહાસમાં જોડાયેલી લોકવાયકા ઉપરાંત સૌ પ્રથમ ઉલ્લેખ 10મી સદીનો છે. જેમાં પલ્લવ વંશની રાણી સમાવલે આ મંદિર માટે પોતાના અનેક દાગીના અને 10 એકર તેમ જ 13 એકરની બે જમીન દાનમાં આપી. આ જમીન પર મંદિરમાં યોજાતા મહોત્સવનું આયોજન કરવામાં આવે એમ તેમણે કહ્યું હતું. આ પછી ચોલા વંશ, રેડી, સામ્રાજય, વિજયનગર પ્રધાન વગેરેએ આ મંદિરની દેખભાળ કરી હતી. દેશભરના શાસકોથી માંડીને આજની કર્ણાટક સરકાર આ મંદિરની દેખરેખ કરે છે.

વિજયનગરનું પતન થયા પછી મૈસુરના રાજા, ગઢવાલ સંસ્થાનમના શાસકોએ અહીંની દેખભાળ કરી. 1800ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ મંદિરના વહીવટીતંત્ર પર કબજો જમાવ્યો હતો. 1943માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હાથી  રામજી મઠના મહંતોને આ મંદિરનો કારભાર સોંપી દીધો. લગભગ છ પેઢી સુધી તેમણે આ કારભાર સંભાળ્યો અને 1933માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના (ટીટીડી)ની સ્થાપના કરવામાં આવી. 1951માં મદ્રાસ હિન્દુ રિલિજિયન એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ એકટ હેઠળ તેનો સમાવેશ કરવામાં આવશે અને 1966માં આ મંદિરનો કારભાર, આંધ્ર પ્રદેશ સરકારે સંભાળી લીધો.

આ મંદિરના ગર્ભગ્રહમાં ભગવાન વેંકટેશ્ર્વરની આઠ ફૂટની મૂર્તિ છે, જે કાળા પથ્થરની છે, પણ તે સ્વયંભૂ છે એમ માનવામાં આવે છે. આ મંદિરની આ પ્રતિમા  કોણે બનાવી અને કોણે  સ્થાપી એનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.

આ મંદિરમાં ભગવાન વેંકટેશ્ર્વર સાથે રામ લક્ષ્મણ, સીતા, રુક્મિણી, કૃષ્ણ, ગરૂડ, નરસિંહ, વરદરાજ, કુબેર, હનુમાનની મૂર્તિ પણ છે. સાથે જ શેષનાગ, વિશ્ર્વાકસેના, સુગ્રીવ અને રામાનુજાચાર્યની મૂર્તિઓ પણ જોઇ શકાય છે. આ મંદિરમાં 365 દિવસમાં કુલ 433 ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુખ્ય શ્રી વેંકટેશ્ર્વર બ્રહ્મોત્સવમ, વૈકુંઠ એકાદશી  અને રથસપ્તમીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામનવમી, જન્માષ્ટમી, ઉગાડી શ્રી પદ્માવતી પરિણયોત્સવ, પુષ્પ યજ્ઞમ, વસંતોત્સવનો સમાવેશ થાય છે.

(આવતા અંકમાં તિરુપતિ બાલાજીમાં વાળ ચઢાવવાનું મહત્ત્વ અને તિરુપતિને પ્રસાદમાં લાડુ શા માટે ચઢાવાય છે અને તેનાં વિશે વિગતવાર જાણીશું).