ચેન્નઈઃ ઝિમ્બાબ્વેના બાવીસ વર્ષીય પેસ બોલર ટિનોટેન્ડા માપૉસા (Maposa)એ વર્લ્ડ કપમાં પહેલી વાર રમતાં પહેલાં 20 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચમાં 14 વિકેટ લીધી હતી અને એમાં તેના પર્ફોર્મન્સ ઠીક-ઠીક હતા, પરંતુ ગુરુવારે ચેન્નઈ (Chennai)માં ભારત સામેની મૅચમાં તેણે વિશ્વ કપમાં પોતાની પહેલી જ ઓવર એવી કરી કે એના લીધે તેનું નામ ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગયું. તેને ભારતની ઇનિંગ્સની પહેલી 12 ઓવરમાં ફક્ત એક ઓવર આપવામાં આવી હતી અને એમાં તેણે 23 રન આપી દીધા હતા. પોતાના પ્રથમ વર્લ્ડ કપ મૅચની પહેલી ઓવરમાં સૌથી વધુ રન આપનારાઓમાં માપૉસાનું નામ બીજા નંબરે લખાઈ ગયું છે.
કૅપ્ટન સિકંદર રઝાએ માપૉસાને પાવરપ્લેમાં ઓવર આપવાનું સાહસ કર્યું હતું અને એમાં રઝા થાપ ખાઈ ગયો હતો. એ ઓવરમાં 23 રન બન્યા હતા. 2009માં જોહનિસબર્ગમાં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વેના જ સ્ટીવ ટિકોલોની પ્રથમ ઓવરમાં પચીસ રન બન્યા હતા અને આ લિસ્ટમાં તેનું નામ પહેલા સ્થાને છે. ટિકોલોની એ એકમાત્ર વર્લ્ડ કપની ઓવર હતી.
માપૉસાની ઓવર ખરેખર તો ભારતની ઇનિંગ્સની ત્રીજી જ હતી જેમાં કુલ નવ બૉલ ફેંકાયા હતા જેમાં બે વાઇડ હતા અને એક નો બૉલ હતો. અભિષેકે એ ઓવરમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી અને અભિષેક ખરેખર તો આ ટૂર્નામેન્ટના પહેલા ત્રણ ઝીરો અને ત્યાર પછીની 15 રનની ઇનિંગ્સ બાદ માપૉસાની આ ઓવરથી જ પાછો ફૉર્મમાં આવી ગયો હતો.
તેરમી ઓવર ફરી માપૉસાને અપાઈ હતી જેમાં 17 રન બન્યા હતા, પરંતુ એમાં તે 30 બૉલમાં પંચાવન રન બનાવનાર અભિષેકની બહુમૂલ્ય વિકેટ લેવામાં સફળ થયો હતો.