અમદાવાદઃ ગુજરાતની 25થી વધુ સ્કૂલોનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. DPS, DAV સહિતની સ્કૂલોને ખાલિસ્તાની સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટાર્ગેટ કરાયા છે. ઈમેલમાં ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના બે ટુકડા થશે તેમ લખવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરાની સ્કૂલોને મોકલવામાં આવેલા ધમકી ભર્યા ઈમેલ બાદ વાલીઓ તેમના સંતાનોને લેવા સ્કૂલ પર પહોંચી ગયા હતા. ઉપરાંત જે સ્કૂલોને ધમકી મળી ત્યાં પોલીસ, ફાયરબ્રિગેડ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
અમદાવાદની કઈ સ્કૂલોને મળી ધમકી
અમદાવાદની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ - મકરબા, એશિયા સ્કૂલ - વસ્ત્રાપુર, એ વન સ્કૂલ - સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ - કૃષ્ણનગર, સંત કબીર - નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ - બાપુનગર, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ - બોપલ, SGVP ગુરુકુળ, એ.જી. હાઈસ્કુલ - નવરંગપુરા, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવાન બલ્લુભાઈ, સી.એન વિદ્યાલય, વિજયનગર સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ - બાપુનગર, જીવીબા સ્કૂલ - ઘોડાસરને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.
વડોદરાની કઈ સ્કૂલોને ધમકી મળી
વડોદરાની ડી. આર. અમીન - વાસણા રોડ, ઉર્મી - સમાસાવલી, નાલંદા - વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કૂલ - બગીખાના, નવયુગ - સમા, જીવન સાધના - નાઘરવાડા, AWS - ડભોઇ, શાનેન - ખોડિયારનગર, GPS સ્કૂલ - વાઘોડિયા, બ્રાઈટ ડે સ્કૂલ - વાસણા, આત્મીય વિદ્યાલય, ડોન બોસ્કો - મકરપુરા રોડ, અમેરિકન સ્કૂલ - કપુરાઇ, ગ્રીન વેલી સ્કૂલ ભીમપુરાને ધમકી મળી છે.
હાલ અમદાવાદ અને વડોદરામાં જે સ્કૂલોને ધમકી મળી છે તેને ખાલી કરી વાહનો અને સ્કૂલ વાહનો તેમજ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાની સ્કૂલોને મળેલી ધમકી અંગે ડીસીપી એન્ડ્ર્યૂ મેકવાને કહ્યું, તમામ શાળામાં ચેકિંગ હાથ ધરાયું છે અને શાળામાં કંઇ વાંધાજનક મળ્યું નથી, મેઈલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે અને વાહનમાં બોમ્બ મૂકી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો હતો. મેઈલ ક્યાંથી આવ્યો તે અંગે પોલીસની તપાસ શરૂ કરાઈ છે અને સાયબર ક્રાઇમ હાલમાં તપાસ કરી રહી છે.
અમદાવાદમાં સ્કૂલોને ધમકી અંગે SOG પીઆઇ ડી.પી. ઉનડકટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, એસઓજી દ્વારા શાળાઓમાં તપાસ ચાલી રહી છે. BDDS ટીમ દ્વારા પણ શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ડર ફેલાવવા માટે ઇ-મેઇલ કરાયા હોય તેમ લાગે છે, સાવચેતીના ભાગરુપે તપાસ ચાલુ છે.
થોડા દિવસ પહેલા અમદાવાદની સાત સ્કૂલોને મળી હતી આવી ધમકી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની એક નહિ પણ સાત જેટલી શાળાઓને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદની DPS બોપલ, કેલોરેક્ષ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલ સહિત 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાંની ઇમેઈલથી ધમકી મળી હતી. ઇ મેલમાં પીએમ મોદી અને અમિત શાહને ખાલિસ્તાન વિરોધી ગણાવીને બાળકોને બચાવી લેવા સલાહ આપવામાં આવી હતી. સાથે જ ધમકી આપવામાં હતી કે જો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો શાળાને ઉડાવી દેશું.