Sat Sep 12 2026

Logo

રાપર: મોમાઈમોરાના તળાવમાં હજારો માછલીઓના મોત

2026-07-04 11:51:00
Author: Mumbai Samachar Team
રાપર: મોમાઈમોરાના તળાવમાં હજારો માછલીઓના મોત

ભુજઃ વાગડ પંથકના રાપર તાલુકાના મોમાઈમોરા ગામે આવેલા મોમાઈ માતાજીના પવિત્ર તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના સામૂહિક મોત નિપજતાં સ્થાનિકોમાં ભારે ચિંતા અને અરેરાટી ફેલાઈ ગઈ છે. તળાવની સપાટી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી દેખાતાં ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે વહીવટી તંત્રને જાણ કરી હતી.

સ્થાનિક અગ્રણી દયારામ મહારાજના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હોવાનું અને તેના લીધે જ આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, વહીવટી તંત્રની સત્તાવાર તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

પવિત્ર તળાવની પવિત્રતા જળવાઈ રહે તે માટે ગ્રામજનો દ્વારા મૃત માછલીઓનો તાકીદે યોગ્ય નિકાલ કરવા તેમજ પાણીના સેમ્પલ લઈ જરૂરી તપાસ હાથ ધરવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)