Tue Jul 21 2026

Logo

મુંબઈ, ગુજરાત સહિત દેશભરના બજારોમાં કચ્છી ખારેકની ભારે માંગ

2026-07-21 12:25:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ:  કચ્છના સુપ્રસિદ્ધ ખારેક ઉત્પાદક પંથક એવા મુન્દ્રાના ધ્રબ, ઝરપરા અને ભુજપુરમાં આ વર્ષે ખારેકનો મબલખ પાક ઊતરતાં સમગ્ર વિસ્તાર ધમધમી ઊઠ્યો છે. વૃક્ષો પરથી ખારેકની લૂમો ઉતારવી, તેને વર્ગીકૃત કરી પેકિંગ કરવા અને બજાર સુધી પહોંચાડવાની કામગીરી હાલ પુરજોશમાં  ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક સ્તરે વાહનો અને મજૂરોની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ખેડૂતો અને મજૂરો દિવસ-રાત મહેનત કરી પાકને બજાર સુધી પહોંચાડી રહ્યા છે.

૮૦ ટકાથી વધુ ફાલ સલામત રીતે બજાર સુધી પહોંચ્યો

આ વર્ષે ખારેકના વૃક્ષો પર કુદરતી રીતે જ સારો ફાલ આવ્યો હતો. ભૂતકાળના વર્ષોમાં માવઠા કે ઝરમર વરસાદના કારણે ખારેકનો ફાલ વૃક્ષ પર જ સડી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હતું. જોકે, આ વર્ષે હજુ સુધી વરસાદી વિઘ્ન ન નડતાં અને હવામાન સાનુકૂળ રહેતાં ૮૦ ટકાથી વધુ ફાલ સલામત રીતે બજાર સુધી પહોંચી ચૂક્યો છે. બજારમાં નાના-મોટા ભાવ તફાવત વચ્ચે પણ એકંદરે ઉત્પાદન અને ગુણવત્તા સારી રહેતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

મળી રહ્યા છે સારા ભાવ

ઉલ્લેખનીય છે કે, અગાઉ આવેલા બિપરજોય વાવાઝોડામાં મોટા વૃક્ષો ધરાશાયી થયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર ગુણવત્તા સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખેડૂતોએ પીલા પદ્ધતિ તેમજ આધુનિક 'ટિસ્યૂ કલ્ચર' પદ્ધતિથી નવી જાતોના રોપાઓનું વાવેતર કર્યું હતું. આ સુધારેલી જાતોના કારણે હાલ લાલ અને પીળી કચ્છી ખારેક વધુ મીઠી અને આકર્ષક બની છે, જેના પરિણામે બજારમાં તેના ઉત્પાદકોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

મુંબઈમાં પણ છે કચ્છી ખારેકની માંગ

હાલ કચ્છી ખારેકની મહેક માત્ર સ્થાનિક બજારો પૂરતી સીમિત નથી રહી. મુન્દ્રા-ઝરપરા પંથકની મીઠી ખારેક દરરોજ મહાનગર મુંબઈ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને અમરેલી જેવા સેન્ટરોમાં મોટા પ્રમાણમાં મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ અને ગુજરાત બહારના રાજ્યોમાં પણ કચ્છી ખારેકની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે, જેનાથી કચ્છી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિને નવો વેગ મળ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)