Sun May 03 2026

Logo

કચ્છનો કમાલ: એશિયાના સૌથી મોટા કેટલ શોમાં ‘ઢેલિયો’ અને ‘પારેવો’ વિજેતા

2026-02-23 12:08:00
Author: Mayurkumar Patel
Article Image

ભુજઃ રાજકોટ શહેરના આઇકોનિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એશિયાના સૌથી મોટા ઇન્ડિયન કેટલ શો (ICS) માં ભાતીગળ પ્રદેશ કચ્છના પશુધને પોતાની ખુમારી અને શુદ્ધ નસલના જોરે નામ રોશન કર્યું હતું. આ મેગા ઇવેન્ટમાં અબડાસા તાલુકાના ખાનાય ગામના ‘ઢેલિયા’ નંદીએ પ્રથમ ક્રમ અને ભુજના માધાપરના 'પારેવા’ નંદીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને આ ખમીરવંતા રણપ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.

આ કેટલ શોમાં ગીર અને કાંકરેજ નસલના અંદાજે ૮૦૦૦ પશુઓની નોંધણી કરાવવામાં આવી હતી જેમાંથી માત્ર ૨૦૦ પશુઓ પસંદગી પામ્યા હતા. અત્યંત કઠિન સ્પર્ધામાં કચ્છના નંદીઓએ પોતાની શારીરિક સૌષ્ઠવ અને તંદુરસ્તીના આધારે નિર્ણાયકોનું દિલ જીતી લીધું હતું.

ખાનાય જાગીરની ગૌશાળાના ૮ વર્ષના ‘ઢેલિયા’ નંદીએ દેશી કાંકરેજ નસલમાં એશિયા ખંડમાં પ્રથમ નંબર મેળવીને રૂ.૧,૫૧,૦૦૦નું ઇનામ જીત્યું હતું. આ નંદીની પરવરિશ મેઘરાજજી દાદા દ્વારા કરવામાં આવી હતી. હિતેન્દ્રસિંહ તુવર અને અનિલ સિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ઢેલિયાના પિતા 'પારેવો' પણ અત્યંત ખુમારી વાળો હતો. આ નંદીની ઓલાદ દ્વારા પેદા થતી ગાયો ૭ લિટરથી વધુ દૂધ આપે છે. તેમના પશુધને એશિયા કક્ષાએ સ્થાન મેળવ્યું તે માત્ર ગામનું જ નહીં પણ આખા કચ્છનું ગૌરવ હોવાનું ખાનાય જાગીરના હિતેન્દ્રસિંહ તુવરે ઉમેર્યું હતું. 

બીજી તરફ, માધાપરના પશુપાલક રબારી રામા લાખા ભાડકાનો ૨૪ મહિનાનો (નાનો) ‘પારેવો’ નંદી સમગ્ર એશિયામાં બીજા ક્રમે રહ્યો છે અને તેને એક લાખનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું
.
રામાભાઈએ પારેવાની ઉત્તમ પરવરિશ અને નિયમિત મેડિકલ ચેકઅપ દ્વારા તેને સ્પર્ધા માટે તૈયાર કર્યો હતો. દેશી કાંકરેજ નસલના સંવર્ધનમાં કચ્છના નંદીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ જાગીર સેવા સમિતિ અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કચ્છનું પશુધન નસલ અને તંદુરસ્તીની દ્રષ્ટિએ વિશ્વસ્તરે શ્રેષ્ઠ છે તે બાબત વધુ એકવાર સાબિત થઇ હોવાનું પશુપાલકોએ જણાવ્યું હતું. 

(ઉત્સવ વૈદ્ય)