Tue Sep 08 2026

Logo

કેસરનો સ્વાદ હવે દુબઈમાં! ગુજકોમાસોલે કરી કચ્છની કેરીની નિકાસ

2026-05-12 10:51:00
Author: Mumbai Samachar Team
કેસરનો સ્વાદ હવે દુબઈમાં! ગુજકોમાસોલે કરી કચ્છની કેરીની નિકાસ

ભુજઃ કાળઝાળ ઉનાળાની ઋતુ વચ્ચે ગુજરાતની વિશ્વવિખ્યાત કેસર કેરીના રસિયાઓ માટે ખુશખબર સામે આવ્યા છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા હવે વિદેશમાં પણ કેસર કેરીની નિકાસ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પ્રથમ જથ્થો દુબઈ ખાતે રવાના કરવામાં આવ્યો છે.

ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત કેરી મળી રહે તે હેતુથી ગુજકોમાસોલ સીધી ખરીદી કરી રહ્યું છે. ખેડૂતો પાસેથી મેળવેલી આ કેરીઓ પર વોશિંગ, શોર્ટિંગ અને ગ્રેડિંગ જેવી આધુનિક પ્રક્રિયાઓ કર્યા બાદ તેનું ઉત્કૃષ્ટ પેકિંગ કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય હેતુ મધ્યસ્થીઓને દૂર કરી ગ્રાહકો સુધી શુદ્ધ કેસર કેરી પહોંચાડવાનો છે.

આ અભિયાનનો પ્રારંભ ‘મેંગો ફેસ્ટિવલ’ના આયોજન સાથે કરવામાં આવ્યો હતો. ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આધુનિક સમય સાથે તાલ મિલાવીને ‘ઇફસફહશ’ (Ifsafhalish) નામની મોબાઇલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા ગ્રાહકો ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર આપીને ઉચ્ચ ગુણવત્તાની કેરી મગાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કેસર કેરીની માંગ વિશ્વભરમાં છે. દુબઈમાં વસતા ગુજરાતીઓ અને અન્ય લોકો પણ આ કેરીનો સ્વાદ માણી શકે તે માટે નિકાસ શરૂ કરાઈ છે. દિલીપ સંઘાણીના હસ્તે પ્રથમ કન્સાઇનમેન્ટને લીલીઝંડી બતાવી રવાના કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિથી ગુજરાતના કેરી પકવતા ખેડૂતો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર વધુ સુગમતાથી ખુલશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે કૃષિ નિકાસને પણ વેગ મળશે તેવી આશા દિલીપ સંઘાણીએ વ્યક્ત કરી હતી.

(ઉત્સવ વૈદ્ય)