Tue Sep 08 2026

Logo

ગાંધીધામમાં સોનાની તપાસ કરનાર જ નીકળ્યો ઠગ,  ફેડરલ બેંકમાં ગ્રાહકોના ઘરેણાંમાંથી સોનું કાઢી નકલી પેચ લગાવી ₹40 લાખની છેતરપિંડી

2026-03-25 12:57:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં સોનાની તપાસ કરનાર જ નીકળ્યો ઠગ,  ફેડરલ બેંકમાં ગ્રાહકોના ઘરેણાંમાંથી સોનું કાઢી નકલી પેચ લગાવી ₹40 લાખની છેતરપિંડી

ભુજઃ સરહદી કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલી ફેડરલ બેંકમાં એક આંખ ઉઘાડનારો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં ગોલ્ડ લોન માટે આવતા ગ્રાહકોના સોનાની શુદ્ધતા તપાસવા માટે રાખવામાં આવેલા અધિકૃત વેલ્યુઅરે જ રક્ષક બનીને ભક્ષકની ભૂમિકા ભજવી છે. આરોપીએ ગત એક વર્ષ દરમિયાન ગ્રાહકોના સોનાના દાગીનામાંથી અસલી પેચ (સ્ટોપર્સ) કાઢી લઈ ત્યાં નકલી પેચ લગાવી દઈ કુલ રૂા. ૪૦,૧૪,૬૩૮ની  કિંમતના સોનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલમાં પ્લોટ નંબર ૩૪૦, વોર્ડ-૧૨-બી સ્થિત ફેડરલ બેંકમાં ગોલ્ડ લોન વેલ્યુએશન માટે 'ફોબોસ ગોલ્ડ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ' સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા શિણાય વિસ્તારમાં રહેતા વિરેન વિનોદચંદ્ર પાટણિયાની નિમણૂક કરવામાં આવી હતી. ગત ૧ માર્ચ ૨૦૨૫ થી ૯  જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આરોપી વિરેન જ્યારે ગ્રાહકોના દાગીનાની ચકાસણી કરતો, ત્યારે અત્યંત ચાલાકીપૂર્વક સોનાની બુટ્ટીઓ કે અન્ય દાગીનાના અસલી સોનાના પેચ કાઢી લેતો હતો અને તેના બદલે પોતાના ખિસ્સામાંથી નકલી પેચ લગાવી દેતો હતો. 

ફેબ્રુઆરી ૨૦૨૬માં માથક ગામના શંભુ દેવદાન ડાંગર નામના ગ્રાહક પોતાની ગોલ્ડ લોન ભરીને દાગીના છોડાવવા આવ્યા ત્યારે સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું. તેમણે પોતાના ઈયરિંગ્સ તપાસતા તેના પેચ ખોટા હોવાનું જણાયું હતું. આ ફરિયાદ બાદ બેંક મેનેજર અંકુર કિરીટકુમાર મોદીએ વર્ષ ૨૦૨૫ના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં આરોપી વિરેન દાગીના તપાસતી વખતે અસલી સોનું ખિસ્સામાં નાખતો અને નકલી માલ કાઢીને દાગીનામાં ભરાવતો સ્પષ્ટ દેખાયો હતો.

આ ઘટનાની ગંભીરતા જોતા બેંક દ્વારા તમામ ગોલ્ડ લોન પેકેટોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જેમાં ૨૯૮ જેટલા  પેકેટમાં રહેલા ઈયરિંગ્સના સ્ટોપર્સ (પેચ) બદલાવી ગોલ્ડ વેલ્યુઅરે કુલ ૨૮૩ ગ્રામ સોનાના પેચની ચોરી કરી હતી, જેની હાલની બજાર કિંમત રૂા. ૪૦.૧૪ લાખથી વધુ થાય છે.

બેંક મેનેજરની ફરિયાદને આધારે ગાંધીધામ પોલીસે આરોપી વિરેન પાટણિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અગાઉ પોતાની ભૂલ સ્વીકારી પૈસા ચૂકવી આપવાનું લખાણ પણ આપ્યું હતું, પરંતુ કૌભાંડ મોટું હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)