ભલે ઓછા લોકો હોમ લોન લઈ રહ્યા છે, પરંતુ જે લોકો લોન લઈ રહ્યા છે તેઓ મોટી રકમની લોન પસંદ કરી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્થગિતતાના સંકેતો જોવા મળી રહ્યા છે. કુલ લોન વિતરણમાં વધારો નોંધાયો હોવા છતાં હોમ લોન લેનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હોમ લોન લેનારાઓની સંખ્યામાં 42%નો મોટો ઘટાડો જોવા ળ્યો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કિમિટી-ગુજરાતના અહેવાલ મુજબ, ડિસેમ્બર ક્વાર્ટરમાં હોમ લોન ખાતાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે 42 ટકાનો ઘટાડો થયો હતો, આ ખાતાની સંખ્યા 1.75 લાખથી ઘટીને 1.01 લાખ થઈ હતી. તેનાથી વિપરીત ફ્રેશ હોમ લોન વિતરણમાં 5 ટકાનો નજીવો વધારો થયો હતો. જે આ સમયગાળા દરમિયાન રૂ. 15,211 કરોડથી વધીને રૂ. 16,028 કરોડ થઈ છે.
લોન લેનારા લોકોની કેમ ઘટી સંખ્યા
ક્ષેત્રના નિષ્ણાતો આ તફાવત માટે એફોર્ડેબલ અને મધ્યમ આવક ધરાવતા હાઉસિંગ સેગમેન્ટમાં નબળી માંગ તેમજ નવા પ્રોજેક્ટ લોન્ચમાં આવેલા ઘટાડાને જવાબદાર માને છે. ડેટા મુજબ ભલે ઓછા લોકો હોમ લોન લઈ રહ્યા છે, પરંતુ જે લોકો લોન લઈ રહ્યા છે તેઓ મોટી રકમની લોન પસંદ કરી રહ્યા છે.
સરેરાશ લોનની રકમ વધી
સ્ટેટ લેવલ બેન્કર્સ કિમિટીના રિપોર્ટ પ્રમાણે, બેંક મુજબના ટ્રેન્ડ ધિરાણની પેટર્નમાં ફેરફાર તરફ નિર્દેશ કરે છે. કેટલીક ખાનગી ક્ષેત્રની બેંકોએ હાઉસિંગ લોનમાં તેમનું એક્સપોઝર ઘટાડ્યું છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ પસંદગીના વિસ્તારોમાં વિતરણ વધાર્યું છે. ખાતાઓમાં ભારે ઘટાડો હોવા છતાં એકંદર લોન મૂલ્યમાં વધારો સૂચવે છે કે સરેરાશ લોનની રકમ વધી છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ડેટા પણ સપ્લાયમાં ઘટાડો દર્શાવે છે. રાજ્યમાં 2022-23માં 1,859 નવા પ્રોજેક્ટ નોંધણી થયા હતા, જે 2023-24માં ઘટીને 1,715 થયા હતા. 2024-25માં નોંધણી નજીવી વધીને 1,822 થઈ હતી, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 1,418 પ્રોજેક્ટ્સ જ નોંધાયા છે.
મધ્યમ રેન્જના મકાનમાં મંદી
સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં રૂ. 50-75 લાખના બજેટ અને રૂ. 5 કરોડથી ઉપરના હાઈ-એન્ડ સેગમેન્ટમાં સ્થિર માંગ જોવા મળી રહી છે. જોકે, રૂ. 2-3 કરોડના મધ્યમ રેન્જમાં મંદી જોવા મળી રહી છે. ખરીદદારો સાવચેત બની રહ્યા છે અને મોટા અપગ્રેડ કરવાનું ટાળી રહ્યા છે.
બિલ્ડરોની થોભો અને રાહ જુઓની નીતિ
ડેવલપર્સનું કહેવું છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં રહેણાંક માર્કેટમાં વેચાણ ઓછું થઈ રહ્યું છે, અને મુખ્ય માઇક્રો-માર્કેટમાં ઓવરસપ્લાયને કારણે વણવેચાયેલી પ્રોપર્ટીમાં વધારો થયો છે. માંગ ઓછી રહેતા ઘણા બિલ્ડરો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે અને નવા લોન્ચિંગ રોકી રહ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે નબળી માંગને કારણે એફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટ હાઉસિંગ સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટમાં સારું આકર્ષણ જોવા મળી રહ્યું છે. પરિણામે, હોમ લોન લેનારાઓની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ ઉંચી કિંમતની લોનમાં વધારો થયો છે. આગામી મોનેટરી પોલિસીમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં સંભવિત કાપ એફોર્ડેબલ અને મધ્યમ આવક ધરાવતા સેગમેન્ટમાં માંગને ફરી જીવંત કરી શકે છે.