કામિની શ્રોફ
અઢી લાખ વર્ષ પહેલા માનવ વસતિનું અસ્તિત્વનો ઈતિહાસ ધરાવતા નેધરલેન્ડ્સને માઈગ્રેશન- સ્થળાંતર એ ખૂબ કનડતી સમસ્યા છે. જોકે, એક સમયે સરકાર એને પુરસ્કૃત કરતી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી સરકાર દ્વારા માઈગ્રેશનને ઉત્તેજન આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો દેશ છોડી જતા રહ્યા હતા. તેમ છતાં આજની તારીખમાં નેધરલેન્ડ્સ વિશ્વની ગીચ વસતી ધરાવતા દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે.
જોકે, જાપાન અને કોરિયાની માફક નેધરલેન્ડ્સને પણ સિક્સ્ટી પ્લસ- 60 + વય ધરાવતા લોકોની સંખ્યા વધુ હોવાની સમસ્યા સતાવે છે. યુરોપના આ દેશની કેટલીક લાક્ષણિકતા છે. અહીં પ્રોસ્ટિટ્યુશન-વેશ્યા વ્યવસાય, મારિજુઆના અને હશીશ જેવા `સોફ્ટ ડ્રગ્સ' તેમ જ `યુથેનેશિયા' (ઈચ્છામૃત્યુ) તેમ જ આસિસ્ટેડ સ્યૂસાઈડને કાયદાકીય માન્યતા છે, અલબત્ત, અમુક નિયમન સાથે. એટલું જ નહીં સેમ સેક્સ મેરેજ-સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપનારો નેધરલેન્ડ્સ પહેલો દેશ હતો.
સ્થળાંતરની સમસ્યા
બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીસ લાખ લોકો નેધરલેન્ડ્સ છોડી કેનેડા અને ઓસ્ટે્રલિયા સ્થળાંતર થયા હતા. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર બહેતર જીવન માટે લોકોનું વિદેશગમન થયું હતું. વસતિ વધારો, બેરોજગારી, અન્નની અછત, ઘર - રહેઠાણના ધાંધિયા, નિરુત્સાહી વાતાવરણ અને યુદ્ધનો શંકાસ્પદ ઈતિહાસ જેવાં કારણોને લીધે લોકોએ બેગ બિસ્તરા બાંધી ચાલતી પકડી હતી. યુદ્ધ સમાપ્ત થયા પછી અનેક વર્ષો સુધી નેધરલેન્ડ્સમાં રહેઠાણની ભારે સમસ્યા હતી.
લોકોના સ્થાળંતર પાછળ આ પણ એક મુખ્ય કારણ હતું. 1946થી ડચ લોકો વિશાળ સંખ્યામાં દેશ છોડી જતા રહ્યા હતા. જોકે, બીજી તરફ અન્ય દેશના લોકો નેધરલેન્ડ્સ આવી સ્થાયી થવાની શરૂઆત 1960ના દાયકામાં શરૂ થઈ હતી. ઈન્ડોનેશિયા, સુરિનામ, ટર્કી અને મોરોક્કોના રહેવાસીઓ વર્કર તરીકે આ દેશમાં પરિવાર સાથે આવ્યા અને કાયમી વસવાટ કરી લીધો. છેલ્લા ત્રીસેક વર્ષમાં તો યુગોસ્લોવિયા, સીરિયા અને અફઘાનિસ્તાનથી રાજકીય આશ્રય લેનારાઓની સંખ્યા ખાસ્સી વધી છે.
આ સિવાય કુશળ કારીગરો તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં દેશાગમન ખાસ્સું જોવા મળ્યું છે. વિધિની વિચિત્રતા કહેવી કે બીજું કંઈ, 1940 - 50ના દાયકામાં લોકો નેધરલેન્ડ્સથી ઉચાળા ભરી ગયા હતા અને હવે આજે બહારના લોકો બેગ બિસ્તરા બાંધી અહીં ઠલવાઈ રહ્યા છે. જે દેશને સ્થાનિક લોકો છોડી રહ્યા હતા એને વિદેશીઓ અપનાવી રહ્યા છે.
ડેમ સ્કવેર
વિશ્વના ભૌગોલિક ઈતિહાસમાં અનેક દેશના સ્કવેર (ગુજરાતીમાં ચોકડી-સડક માર્ગે ગુજરાતનો પ્રવાસ કરતા લોકો તારાપુર ચોકડી, માધાપર ચોકડી, અડાલજ ચોકડી વગેરેથી વાકેફ હશે) વિવિધ કારણસર પ્રખ્યાત છે. યુએસના ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્કવેર, ચીનનું ટિનાનમેન સ્કવેર, રશિયાના સેન્ટ પીટર્સબર્ગનું પેલેસ સ્કવેર, ઈટલી નજીક વેટિકનનું સેન્ટ પીટર્સ સ્કવેર, અને એને સાથે આપણે કોલકાતાના બે વિખ્યાત ડેલહાઉસી અને કોલેજ સ્કવેર પણ તરત યાદ આવી જાય.
અલબત્ત, આ દરેકના અનુસંધાન અલગ અલગ છે. ક્યાંક મોજમસ્તી છે તો કોઈ સાથે ક્રાંતિનું જોડાણ છે. આ બધા સ્કવેર સાથે ગ્લેમર જોડાયેલું છે. એવા બીજા પણ સ્કવેર છે જેની ખ્યાતિ સરખામણીમાં ઓછી છે, પણ મહત્ત્વમાં એ ખભેખભા મિલાવી શકે છે.
નેધરલેન્ડ્સનું ડેમ સ્કવેર એ પંક્તિમાં બિરાજે છે. એનું બાંધકામ 13મી સદીમાં કરવામાં આવ્યું હતું. એ સમયે એનો મુખ્ય હેતુ દરિયાના પાણી શહેરમાં ફરી ન વળે એ હતો. 1960ના દાયકામાં પ્રસિદ્ધિ મેળવનાર આ સ્કવેર આજે સહેલાણીઓ માટે આકર્ષણ બની ગયો છે. એમસ્ટરડેમના મધ્ય વિસ્તારમાં આવેલા આ સ્થળે અનેક મેળાવડા અને કાર્યક્રમોનું આયોજન થાય છે.
અહીં વર્ષ દરમિયાન ઘણી વાર ફનફેર પણ થતા હોય છે. આ એક રાષ્ટ્રીય સ્મારક છે, જેનું બાંધકામ 1956માં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા લોકોની માનવંદના માટે કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચોથી મેના દિવસે અહીં લોકો એકઠા થાય છે અને યુદ્ધમાં શહીદ થયેલા લોકોને યાદ કરી એક મિનિટનું મૌન પાળે છે. બીજે દિવસે એટલે કે પાંચમી મેએ લિબરેશન ડે - મુક્તિ દિનની ઉજવણી કરે છે. આ એક એવું સ્થળ છે જ્યાં ઉજવણી પણ થઈ છે અને વિરોધ પ્રદર્શન પણ થયા છે.
પમ્પિંગ સ્ટેશન -યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ- યુનાઈટેડ નેશન્સની એક સંસ્થા યુનેસ્કો (UNESCO- United Nations Educational Scientific and Cultural Organization) દ્વારા માનવજાત માટે અનન્ય યોગદાન આપનાર સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવે છે. જગત આખામાં 1200થી વધુ હેરિટેજ સાઈટ છે. નેધરલેન્ડ્સમાં 12 વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. રસપ્રદ વાત એ છે કે આ સાઈટ મુખ્યત્વે દેશની એન્જિનિયરિગ સિદ્ધિઓ, વોટર મેનેજમેન્ટમાં નાવીન્ય અને સમૃદ્ધ ઈતિહાસના પ્રતીક છે. આ ડઝન સાઈટ્સમાં એક છે D.F. Wouda Steam Pumping Station. એન્જિનિયરિગ કૌશલનું અદ્વિતીય નજરાણું ગણાતું આ વિશ્વનું સૌથી મોટું વરાળની મદદથી ચાલતું પમ્પિંગ સ્ટેશન છે.
આજની તારીખમાં પણ કાર્યરત આ સ્ટેશન હાઈડ્રોલિક પાવર કેબલની મદદથી ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પુલમાંથી પાણી 35 સેકન્ડમાં ખાલી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પાણીના પ્રવાહના વેગને ખાળવાના ડચ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની આવડત અને ચાતુર્યની પાવતી છે. આ અનોખા અને અલાયદા મશીનનું બાંધકામ 1920માં કરવામાં આવ્યું હતું.
નેધરલેન્ડ્સમાં ફ્રાયસલેન નામનો જળ સમૃદ્ધિ ધરાવતો પ્રાંત છે. ફ્રાયસલેન વિશિષ્ટ સ્થાનિક ભાષા, ઈટલીના વિશ્વવિખ્યાત લીનિંગ ટાવર ઓફ પિઝાનું સ્મરણ કરાવતો લીનિંગ ટાવર ઓફ ઓલ્ડહોવ (ચર્ચ ટાવર) સહિત કેટલીક બાબત માટે સહેલાણીઓમાં આકર્ષણ છે. આ સ્ટેશન ફ્રાયસલેનના નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ન ફરી વળે અને રહેવાસીઓનું તેમજ તેમની જમીન અને ઢોરઢાંખરનું રક્ષણ થાય એ હેતુથી બાંધવામાં આવ્યું હતું. બાંધવામાં આવ્યું ત્યારે જે કામ કરતું હતું એ જ કામ પમ્પ આજે પણ કરે છે.
આ પમ્પની એક વિશિષ્ટતા એ પણ છે કે સમુદ્રના પાણીને ખાળવાની ક્ષમતા ધરાવે છે. 106 વર્ષ દરમિયાન આ પમ્પિંગ સ્ટેશનમાં એક મહત્ત્વનો ફેરફાર થયો હતો જ્યારે 1967માં એ કોલસાની બદલે ક્રૂડ ઓઈલથી ચલાવવાની શરૂઆત થઈ હતી. 1998માં એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો હતો. સહેલાણીઓની આ સ્થળની મુલાકાત લેવાની પરવાનગી છે. વર્ષમાં બે વખત આ પમ્પ કાર્યરત હોય ત્યારે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. અમે મુલાકાત લીધી ત્યારે એ કાર્યરત ન હોવાથી બીજી મુલાકાતએ આવવાનું મનોમન તો નક્કી કરી લીધું.