Wed Apr 29 2026

Logo

સફેદ રણની 'લીલી' ઓળખ: પર્યાવરણ પ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ સમાન પુસ્તક 'ટ્રીઝ ઓફ કચ્છ'નું વિમોચન

2026-04-29 11:52:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ સામાન્ય રીતે શુષ્ક અને વેરાન મનાતા કચ્છ જિલ્લાની આ છબીને પડકારતું એક નવું સંશોધનાત્મક પુસ્તક 'ટ્રીઝ ઓફ કચ્છ' હાલમાં જ પ્રકાશિત થયું છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) દ્વારા તૈયાર કરાયેલી આ ફિલ્ડ ગાઈડ ભાતીગળ પ્રદેશ કચ્છની વનસ્પતિ સૃષ્ટિની વિવિધતા અને તેના અજાણ્યા પાસાઓ પર વિગતવાર પ્રકાશ પાડે છે.

જુરાસિક કાળથી થયેલી ભૌગોલિક હલચલને કારણે કચ્છની ધરતી પર ખારાશવાળી ભેજવાળી જમીન, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ઘાસના મેદાનો અને મેન્ગ્રોવ્સ જેવી વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં આવી છે. આ પુસ્તકમાં ૪૮ વનસ્પતિ કુળની અંદાજે ૧૭૦ જેટલી જંગલી અને ઉછેરેલી વૃક્ષ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૧૧૦ સ્થાનિક અને ૬૦ બહારથી લાવવામાં આવેલી પ્રજાતિઓ છે. સૌથી વધુ ૩૮ પ્રજાતિઓ 'ફેબેસી' કુળની નોંધાઈ છે.

ગાઈડના ડાયરેક્ટર વી. વિજય કુમારના જણાવ્યા અનુસાર, વાચકોની સરળતા માટે વૃક્ષોને તેમના નિવાસસ્થાન મુજબ વર્ગીકૃત કરાયા છે, જેમ કે બગીચાના વૃક્ષો, રસ્તાની આસપાસ છાયડો આપતા વૃક્ષો, કાંટાળા જંગલોના રક્ષક વૃક્ષો, દરિયાઈ પટ્ટીના રક્ષક એવા મેન્ગ્રોવ્સ.

વિજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, ગાઈડ સંસ્થાએ માત્ર ડોક્યુમેન્ટેશન જ નથી કર્યું, પરંતુ લુપ્ત થતી પ્રજાતિઓ જેવી કે 'ગૂગળ' અને 'કમોર'ના સંરક્ષણ માટે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. પરંપરાગત રીતે ગૂગળ કાઢવાની હાનિકારક પદ્ધતિઓને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ અને 'મિચી ગોલેજ' નાઈફના ઉપયોગથી વૃક્ષને નુકસાન પહોંચાડ્યા વિના ઉત્પાદનમાં ૨૨ ગણો વધારો મેળવવામાં સફળતા મળી છે. 

આ પુસ્તકમાં કચ્છમાં જોવા મળતા કેટલાક અસામાન્ય વૃક્ષોનો પણ ઉલ્લેખ છે જેમ કે શિવલિંગી (કેનનબોલ ટ્રી),જેના ફૂલની રચના શિવલિંગ અને ફેણ ચઢાવેલા નાગ જેવી દેખાય છે,પિચકારી (આફ્રિકન ટ્યૂલિપ ટ્રી) કે જેના ફૂલોને દબાવતા તેમાંથી પાણીની પિચકારી જેવો લિક્વિડ નેક્ટર બહાર આવે છે,ટ્રી ઓફ ડેથ (મેન્ચીનીલ) જે અત્યંત ઝેરી હોવાને કારણે ગિનિસ બુકમાં સ્થાન પામેલું આ વૃક્ષ પણ કચ્છના માર્ગો અને બગીચાઓમાં જોવા મળે છે. કચ્છની ભૌગોલિક વિશેષતા એવા 'ઇનલેન્ડ મેન્ગ્રોવ્સ' એટલે કે, સમુદ્ર કિનારાથી દૂર જમીન પરના મેન્ગ્રોવ્સ વિશે પણ આ પુસ્તકમાં વિશેષ માહિતી છે. ધરમપુર પાસેનું શ્રવણ કાવડિયા અને સીમાવર્તી લખપત તાલુકાનું ગુનેરી તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખાસ કરીને ગુનેરીના મેન્ગ્રોવ્સને સ્થાનિક સમુદાય અને ગાઈડના પ્રયાસોથી જાન્યુઆરી ૨૦૨૫માં રાજ્ય સરકાર દ્વારા 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરવામાં આવી છે.


(ઉત્સવ વૈદ્ય)