Tue Oct 06 2026

Logo

દુકાળના ઓછાયા વચ્ચે લખપત પંથકમાંથી માલધારીઓની હિજરત શરૂ

2026-09-08 11:19:00
Author: Mayur Patel
દુકાળના ઓછાયા વચ્ચે લખપત પંથકમાંથી માલધારીઓની હિજરત શરૂ

ભુજઃ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણતાના આરે હોવા છતાં કચ્છ જિલ્લામાં મેઘરાજાની કૃપા ન થતાં, ૮ વર્ષ બાદ ફરી એક વાર ભીષણ દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સીમાડાઓ સુકાઈ જતાં પશુધનને બચાવવા માટે સરહદી લખપત તાલુકા સહિતના વિસ્તારોમાંથી માલધારીઓએ કડક આર્થિક ભીંસ વચ્ચે વતન છોડી અન્ય જિલ્લાઓ તરફ સ્થળાંતર શરૂ કરી દીધું છે. આવી વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા કચ્છ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને છેક નલિયા સુધી રેલવે રેક મારફતે ઘાસચારો પહોંચાડવા કવાયત હાથ ધરી છે.

માલાધારી પરિવારોના કાઠિયાવાડ તરફ હિજરત

લખપત તાલુકાના બેખડા, ચામરા, ચકરાઈ અને છેલાવાંઢ સહિતના સીમાંત ગામોમાંથી વિતેલા બે દિવસ દરમિયાન જ ૧૨ થી ૧૫ જેટલા માલધારી પરિવારો અંદાજે ૫૦૦ ગાયો અને ૨૦૦ ભેંસો મળી ૭૦૦થી વધુ પશુઓને લઈને માલવણ, લીંબડી તેમજ બન્ની અને કાઠિયાવાડ તરફ રવાના થઈ ગયા છે. સીમાડામાં ઘાસ કે પાણીનું તરણું ન હોવાથી માલધારીઓએ મહિલાઓના સોનાના દાગીના ગીરવે મૂકીને કે પશુઓ વેચીને રૂપિયા ૨૫ થી ૩૦ હજાર જેટલું તોતિંગ ટ્રક ભાડું ખર્ચીને પશુધનને ખસેડવું પડી રહ્યું છે. પશુપાલકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત દરે ઘાસચારાના વિતરણ કેન્દ્રો અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે.

ઘાસ ડેપો શરૂ કરાયા

બીજી તરફ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લામાં ૫૨ ઘાસ ડેપો શરૂ કરીને રૂ.૨ પ્રતિ કિલોના ભાવે ૧૬.૩૭ લાખ કિલો ઘાસનું વિતરણ કરી દેવાયું છે. પશુઓ માટે ઘાસની વધતી માંગને જોતાં વધુ ૮ નવા ડેપો શરૂ કરાશે અને તમામ પ્રાંત અધિકારીઓને તાત્કાલિક ઘાસ વિતરણની સત્તા સોંપવામાં આવી છે.

સ્થાનિક જથ્થો પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર અને ત્યારબાદ વલસાડ સહિતના દૂરના જિલ્લાઓમાંથી રેલવે રેક મારફતે ઘાસ મંગાવાશે. ભુજ-ગાંધીધામ માટે કુકમા યાર્ડમાં અને અબડાસા, લખપત, નખત્રાણા તથા માંડવી વિસ્તાર માટે છેક નલિયા સુધી રેક પહોંચાડવા રેલવે અધિકારીઓ સાથે સંયુક્ત પરામર્શ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને રાહત કાર્યો ઝડપી બનાવવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ખાસ અછત સમિતિની પણ રચના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(ઉત્સવ વૈદ્ય)