નરેશ શાહ
પ્રેમ ઝનૂન બની જાય ત્યારે તેના પડછાયાં બહુ દૂર લંબાતા હોય છે, પણ આપણે પ્રેમ એટલે માત્ર યુવક-યુવતી વચ્ચે થતાં રોમાંસને જોઈએ છીએ. પ્રેમ મલ્ટી ડાયમેન્શન ધરાવે છે. એ પત્ની માટેનો ય હોય શકે અને સંતાન પ્રત્યેનો પણ હોય શકે.
બ્રિટિશ વેબસિરીઝ ‘ધ એક્સ વાઈફ’ (ભૂતપૂર્વ પત્ની) પ્રેમના એક આવા જ અલગ મિજાજની વાત કરે છે. સાયપ્રસ અને લંડનમાં શૂટ થયેલી ‘ધ એક્સ વાઈફ’ની કહાણી તો એક ડિવોર્સ ઈચ્છુક દંપતી આસપાસ ફરે છે. મીડિયા એજન્સીમાં કામ કરતા જેકની પત્ની જેન તેનાથી અલગ થઈ ગઈ છે. છૂટાછેડાની નોબત સુધી પહોંચી ગયેલી વાતમાં અચાનક એક અકસ્માત થાય છે.
યસ. લિટરલી- વાસ્તવિક અકસ્માતની જ વાત છે. જેકની કાર ટીનએજ પાર કરી ચૂકેલી સાઈકલ સવાર તાશા સાથે અથડાય છે. આમ પણ, રફ ડ્રાઇવિંગના કારણે કોર્ટે જેકને ડ્રાઈવિંગ કરવાની મનાઈ ફરમાવેલી છે તેમાં આ અકસ્માત થયો એટલે નજીવી ઈજા પામેલી તાશાની જેક વધુ કાળજી લે છે અને એ દરમિયાન...
જેક-તાશા વચ્ચે પ્રેમ પાંગરી જાય છે. પ્રેમના પરિપાક રૂપે તાશા પ્રેગનન્ટ બને છે ત્યારે નણંદે યોજેલા એક પ્રસંગમાં તાશા અને જેન (ધ એક્સ વાઈફ)નો આમનોસામનો થઈ જાય છે. નણંદ જ અંગારો ચાંપતી વાત કરે છે કે ડોકટરના મત મુજબ તો જેક પિતા બની શકવાને અસમર્થ છે... (તો તું પ્રેગન્ટ કોના થકી થઈ છો -એવો ડાઉટ વ્યક્ત કરે છે) તાશા નણંદને સલાહ આપે છે કે હવેથી તારે અમારે બન્નેને એકસાથે ભેગા ન કરવા, કારણ કે... પરિસ્થિતિ બહુ બોઝિલ થઈ જાય છે, પરંતુ જેન (જેકની એક્સ વાઈફ) સાથે દોસ્તી હોવાથી નણંદ તાશાનું મોઢું તોડી લે છે: ‘તો તારે હવે આવવાનું બંધ કરી દેવું જોઈએ!’
આમ વાઈફ (તાશા) અને એક્સ વાઈફ (જેન) વચ્ચેની કશ્મકશમાં ભીંસાતો પતિ જેક અવારનવાર મુશ્કેલીમાં મૂકાતો રહે છે, કારણ કે તાશા અને (જન્મી ચૂકેલી બાળકી) એમિલીને એક્સ વાઈફ જેન અવારનવાર અથડાતી રહે છે. તાશાને લાગે છે કે પતિની પૂર્વ-પત્ની તેનો પીછો કરી રહી છે. તેની જાસૂસી કરાવી રહી છે. આવો ડાઉટ જવાનું સૌથી મોટું કારણ એ કે વાત વાતમાં પૂર્વ પત્ની જેન તાશાના બોયફ્રેન્ડ સેમનું નામ બોલી જાય છે. એ સેમ જેની સાથે તાશા એક વખત દારૂના નશામાં હમબિસ્તર બની ચૂકી છે. તાશા માટે સેમને સોફટ કોર્નર છે પણ તાશા માટે તો હવે પતિ અને દીકરી જ તેનું સર્વસ્વ છે.
બ્રાયન ઓ’મેલે ડિરેકટ કરેલી ‘ધ એક્સ વાઈફ’ સિરીઝ ખરેખર તો જેસ રાઈટરની નોવેલનું એડેપ્શન છે. આ જ સિરીઝની અન્ય સિઝન પણ બની છે. એમેઝોન-મેક્સ પ્લેયર પર જોવા મળતી ‘ધ એક્સ વાઈફ’ની પહેલી સિઝનની આપણે વાત કરી રહ્યા છીએ, જેના કેન્દ્રમાં ચાર પાત્રો છે. જેક, જેકની એક્સ વાઈફ જેન, દીકરી એમિલી, માતા તાશા અને તાશાનો બોયફ્રેન્ડ સેમ. ચાર પાત્રો વચ્ચે બંધતાં, તૂટેલાં સંબંધો અને ગૂંચવાડા જેવા તાણાવાણા થકી ‘ધ એક્સ વાઈફ’ થ્રિલર આગળ વધતી રહે છે.
સિરીઝમાં તાશાને (અને દર્શક તરીકે આપણને) સમજાતું નથી કે પતિની એક્સ વાઈફ કેમ પોતાના પરિવારનો કેડો મૂકતી નથી. તાશાને એ પણ સમજાતું નથી કે પતિ જેક એક્સ વાઈફ સાથે છેડો ફાડી નાખવાની બદલે કેમ તેની સતત ચિંતા કરતો રહે છે. એકલી જ રહેતી હોવા છતાં એક્સ વાઈફના ઘરે (એમિલી માટેનું) બેબી ફૂડ ફ્રિઝમાં શા માટે હતું? પતિની એક્સ વાઈફ પોતાના અને સેમ બારામાં પતિના મનમાં શંકા ઊભી કરી રહી છે?
પતિના એક્સ વાઈફ પ્રત્યેના આવા વલણની વાતો કરવા તાશા એક વખત, જાણ કર્યા વગર પતિની ઓફિસમાં પહોંચી જાય છે ત્યારે કેબિનમાંથી પતિની સાથે એક્સ વાઈફ પણ બહાર નીકળે છે... એ દિવસે તો પતિ તાશાને મનાવી લે છે, પરંતુ અવારનવાર કામ માટે ન્યૂયોર્ક જતાં રહેતા પતિ વિશે તાશાને ખબર પડે છે કે પતિએ તો નોકરી છોડી દીધી છે તો પછી એ ન્યૂયોર્ક કોના કામથી ગયો છે? ખરેખર ગયો છે ખરો?
‘ધ એક્સ વાઈફ’ નામ પરથી એવો ભ્રમ પેદા કરે છે કે આ વેબસિરીઝનું પરાક્રમી યા ખલનાયિકા સમું કિરદાર ‘એક્સ વાઈફ’ જ હશે, પરંતુ ખરેખર એવું નથી છતાં સિરીઝનું ‘ધ એક્સ વાઈફ’ નામ કેમ રાખવામાં આવ્યું છે એ તો તમે વેબસિરીઝ જોશો ત્યારે સમજાઈ જશે. એ પણ સમજાશે કે દરેક પાત્રની શંકાસ્પદ વર્તણૂક પાછળનું કારણ શું હતું....