Tue Mar 10 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-1

2 weeks ago
Author: Mumbai Samachar Purty
Article Image

યુવતી કઇ માનતા માનવા, કયા મકસદ સાથે ગોપાલેશ્વર મંદિરે જઇ રહી હતી.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

અસ્વીકરણ
આ એક કાલ્પિનક નવલકથા છે. આમાં આવતાં નામો, પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પનાતીત છે...લેખકની પોતાની કલ્પના છે. જેનો કોઇ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ સાથે સંબંધ નથી. કોઇપણ મૃત કે જીવિત વ્યક્તિ કે કોઇ સ્થળ સાથેની સામ્યતા એ માત્ર ને માત્ર સંયોગ છે.

પોષ મહિનાની કડકડતી ઠંડીમાં રાજસ્થાનના ટચૂકડા બેજલમેડ ગામને પાદરે ખુલ્લાં મેદાનમાં આવેલું બસ સ્ટેન્ડ પરોઢિયે સાડાચાર વાગ્યે પણ ધમધમતું હતું. કોઇ કોઇ જગ્યાએ તાપણાંની ફરતે લોકો ગરમાટો લેતા હતા તો કેટલાક ચાવાળાની લારી પર ભડભડતા સ્ટવની આસપાસ કુંડાળું વળીને ચાની ચૂસ્કી સાથે ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરતા બેઠા હતા. ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોની બસો એક પછી એક દર પાંચ-પંદર મિનિટને અંતરે બસસ્ટેન્ડમાં પ્રવેશતાની સાથે આડેધડ પાર્ક થવા માંડી હતી. પેસેન્જરોને ઊતરતા જોઇને ટેક્સી, ઓટોવાળા અને ટાંગાવાળાઓએ બૂમો પાડવા લાગ્યા: `બોલો, હોટલ...ધરમશાલા....મંદિર....દર્શન ખુલને કા ટાઇમ હો ગયા હૈ.' દર્શનનું નામ પડતાં જ અડધીપડધી ઊંઘમાં ઊતરેલા ને ઠંડીમાં ઠૂઠવાતા શ્રદ્ધાળુઓ રઘવાયા બનીને ટેક્સી કે ઓટો રિક્શામાં બેસવા માંડ્યા. 

થોડીવારમાં એક લક્ઝરી બસ આવી. એમાંથી કેટલાક લોકો આરામથી તો કેટલાક ઉતાવળે ઉતર્યા. સૌથી છેલ્લે જીન્સ, ગરમ કોટ પહેરેલી ને કાન અને માથા પર મફલર વીંટાળેલી એક યુવતી ઉતરી. એની પાસે કોઇ સરસામાન નહતો. હતી માત્ર એક હેન્ડબેગ અને કાનમાં ખોંસેલા ઇયર પ્લગ. 

`બોલો મેડમ, હોટલ બતાઉં આપકે લાયક...બઢિયા સુવિધાવાલા....બોલો....'

એક ઓટોવાળાએ પૂછ્યું. યુવતીએ કાન પરથી સહેજ મફલર ઊંચું કરીને એક કાનમાંથી ઇયર પ્લગ કાઢ્યું. ગરમાટો લાવવા હથેળીઓ ઘસતાં બોલી: `મંદિર જાના હૈ...'
*****

દિલ્હીમાં લગભગ રાતે અગિયાર વાગ્યે રિસર્ચ એન્ડ એનાલિસિસ (રો)ના ચીફ રવિ જયસ્વાલના મોબાઇલની રિગ વાગી.

`બેજલમેડ કા ગોપાલેશ્વર મંદિર ખતરે મેં હૈ.....કૂછ બડા હોને વાલા હૈ...જૈસે આગે કી ખબર મિલતી હૈ બતાઉંગા...જયહિન્દ...' ફોન કટ થયો. રવિ જયસ્વાલ નાઇટગાઉન ફંગોળીને ઊભા થયા.
******

`આઇએ મેડમ.....આઇએ...' ઓટોવાળો એને ઓટો પાસે લઇ ગયો. 

`કિતના પૈસા હોગા?' એણે પૂછ્યું. 

`પચાસ રૂપિયા મેડમજી.' યુવતી બેઠી. ઓટોવાળો ફરી બૂમ પાડવા માંડ્યો: `બોલો હોટલ, ધરમશાલા...મંદિર....દર્શન કા ટાઇમ હો ગયા હૈ....'

`ઓ...હલ્લો...યે શેરિગવાલી ઓટો હૈ ક્યા.....?' યુવતીએ પૂછ્યું.

`હાં મેડમજી...'

`અરે ભૈયા, મુજે શેરિગ મેં નહીં જાના...'

`મેડમજી સ્પેશ્યલ કા 200 રૂપિયા હોગા....' યુવતી કાંઇ બોલ્યાચાલ્યા વિના ઊતરીને ચાલવા માંડી.

`અરે મેડમજી.....દેઢ કિલોમીટર લંબા રાસ્તા હૈ.....ઇસ ઠંડ મેં અકેલે ચલ કે જાઓગી....?'

યુવતી દૂરથી સંભળાઇ રહેલા કીર્તનના અવાજના નકશે કદમ પર ચાલવા લાગી. મંદિરે ચાલતી જનારી એ એકલી નહોતી, સંખ્યાબંધ યાત્રાળુઓ જગવિખ્યાત ગોપાલેશ્વર મંદિરે દર્શન કરવા ચાલતાં જઇ રહ્યા હતાં. શ્રદ્ધાના વિષયનો કોઇ સબળ પુરાવો હોય તો ગોપાલેશ્વર. એનો મહિમા ન્યારો....શ્રદ્ધાળુઓની આસ્થા અનોખી....રોજના હજારો શ્રદ્ધાળુઓ ગોપાલેશ્વરની ઝાંખી કરવા દેશને ખૂણેખૂણેથી અહીં ઊતરી આવે. કેટલાક દિવસભરના બધા દર્શન કરીને નીકળી જાય તો કેટલાક બે-ત્રણ દિવસ મન ભરીને ગોપાલેશ્વરના સાન્નિધ્યમાં રહે ને ફરી જલદી બોલાવો કહીને વિદાય લે.
****

યુવતી સામા ઠંડા કાતિલ પવન સાથે વહી રહી હતી અને સાથે ગૂંજી રહ્યો હતો શ્રદ્ધાળુઓનો જયઘોષ. `ગોપાલા ગોપાલા... હરિ ગોપાલા...હરિ ગોપાલા... ગોપાલ લલ્લા કી જય...... ગોપાલ લલ્લા કી જય.' યુવતી ચોમેર ઝીણી નજર દોડાવતી...રસ્તો કાપતી.....માર્ગ માપતી....બેજલમેડ ગામનો નકશો મનમાં જડતી પહેલીવાર ગોપાલેશ્વર મંદિરે જઇ રહી હતી, પણ કઇ આસ્થા સાથે...? કઇ શ્રદ્ધા સાથે...? કઇ બાધા-આખડી સાથે...? કઇ માનતા સાથે..? કયા મકસદ સાથે....?
*****

રોના ચીફ રવિ જયસ્વાલના કોલને પગલે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અભિજિત ભલ્લાએ મધરાતે પોતાના ઘરે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (એનઆઇએ)ના ચીફ કરતારસિંઘ ડોગરા, ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ચીફ અભયસિંહ રાઠૌડ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના ચીફ રવિ જયસ્વાલ ખુદ મોજૂદ હતા. 

`અભી અભી હમેં ખૂફિયા ખબર મિલી હૈ કી....' ભલ્લાએ રવિ જયસ્વાલ સામે જોયું. જયસ્વાલે વાતનો દોર આગળ ચલાવ્યો: `બેજલમેડ કા ગોપાલેશ્વર મંદિર ખતરે મેં હૈ...' પછી ક્ષણવાર રહીને બોલ્યા: `કિસ તરહા કા ખતરા હૈ કૂછ પતા નહીં.' 

`ખબર કહાં સે મિલી હૈ.' સિક્યોરિટી એડવાઇઝર ભલ્લાએ પૂછ્યું.

`હમારે પડોસી દેશ સે. હમારા એક બંદા વહાં હૈ...' જયસ્વાલે કહ્યું.

`સર, હમ ગુજરાત ઔર રાજસ્થાન એટીએસ કો એલર્ટ કર દેતે હૈ...' એનઆઇએ ચીફ કરતારસિંઘ ડોગરાએ કહ્યું.

`નહીં... ઇસ સ્ટેજ પર હમેં વો નહીં કરના હૈ.' નેશનલ એડવાઇઝરે કહ્યું. 

`સર, હમ રિસ્ક નહીં લે સકતે... ખતરા કિસી ભી પ્રકાર કા હો સકતા હૈ...' રોના ચીફ જયસ્વાલે કહ્યું.

`સહીં હૈ...હમ દુસરી ખબર મિલને તક રાહ નહીં દેખ સકતે.....દેર હો જાયેગી...' આઇબી ચીફ અભયસિંહ રાઠૌડ બોલ્યા.

`હમ મંદિર કી ઇન્ટરનલ સિક્યોરિટી કે ચીફ કો શામિલ કર કે ઉનકી મદદ લે સકતે હૈ...' ડોગરાએ બીજું સૂચન કર્યું.

`નહીં, વો ગલતી કભી નહીં કરના. બાત ફૈલ સકતી હૈ... ભક્તો મેં ભય કા માહોલ પૈદા હોગા.' સિક્યોરિટી એડવાઇઝર તરત બોલ્યા....
*****

ભજનો અને ભક્તિસંગીતે ગોપાલેશ્વર મંદિર નજીક હોવાની છડી પોકારી. મંદિરની રોશનીનો ઝગમગાટ નિકટ આવતો ગયો ને યુવતીના મોં પર એક અનેરી ચમક આવી. ગોપાલેશ્વર મંદિર સુધી દોરી જતા માર્ગમાં આવતી મુખ્ય બજારના ચોકમાં દુકાનદારો મોં સૂઝણા પહેલાં ભક્તિસંગીતની ટેપ મૂકીને પોતાની નાનકડી દુકાનોમાં ઝાપટઝૂપટ કરતા હતા. કેટલીક ધીમે ધીમે ખુલી રહેલી દુકાનોનાં શટરોમાંથી આળસનો સ્પષ્ટ અવાજ સંભળાતો હતો. કેસેટોમાંથી વાગતાં ભજનો એકબીજા સાથે ટકરાઇને વધુ કર્કષ ઘોંઘાટ પેદા કરવાની હરીફાઇમાં હતા. ખાણીપીણીના સ્ટોલ લાગવા માંડ્યા હતા. ચાની લારીઓ, નાસ્તાના ખૂમચાઓ ગોઠવાઇ રહ્યા હતા. સાંકડી ગલીઓમાં મંદિરની સિક્યોરિટી સાથે રાતભર જાગેલાં તાપણાં એના આખરી પડાવમાં હતાં. શ્રદ્ધાળુઓની ચહલપહલમાં શિયાળાની તાજગીભરી પરોઢની સ્ફુર્તિ હતી. મુખ્ય બજારમાં ઓટો રિક્શા, ટેક્સી અને ટાંગાવાળાઓ પેસેન્જરોને ઉતારીને બીજા પેસેન્જરોને લેવા પોતાનાં વાહનો હંકારી જતા હતા કારણ કે એમની હદ મુખ્ય બજાર સુધીની જ હતી. યુવતીને અચરજ પમાડતું આ બધું ગોપાલશ્વરના પરિસરનો નિત્યક્રમ હતો. યુવતીના કદમ ઘોડાની લાદથી બચતા-બચાવતા આગળ વધ્યા. એ મંદિરના મુખ્યપ્રવેશ દ્વાર પાસે પહોંચી ને એક મધુર અવાજ એના કાને પડ્યો: 

અધરમ મધુરમ વંદન મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ
હદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ.... 

એમ. એસ. સુબ્બલક્ષ્મીના સ્વરમાં વાગતા મધુરાષ્ટકે એને મંત્રમુગ્ધ કરી દીધી. બે-ત્રણ સેક્નડ માટે આંખો મીંચીને અંતરધ્યાન થઇ ગઇ. સિક્યોરિટીવાળાની વ્હીસલથી આંખ ખુલી. 

આંખો ખુલી તો સામેના મુખ્ય પ્રવેશદ્વારના બંધ તોતિંગ દરવાજાની બંને બાજુની દીવાલો પર હાથી, ઘોડા, પાછળ પાલખીઓ અને હાથમાં રંગબેરંગી છતરો લઇને ચાલતા લોકોનો મોટો રસાલો ચિતરેલાં ચિત્રો જોયા. ચિત્રોએ ઝાંખપ પકડી લીધી હતી, પણ એમાંથી એનો પૌરાણિક કળાત્મક ભાવ સ્પષ્ટરૂપે નિતરતો હતો. મુખ્યદ્વારના દરવાજાઓનો દમામ...એનો ઠાઠ અડીખમ હતો. શાહી નકશીકામની નજાકત અકબંધ હતી.
 
ભક્તોની ભીડ યુવતીની આંખોમાં સમાતી નહતી. પુરુષો અને મહિલાઓ માટેની અલગ અલગ કતાર હોવા છતાં ગીરદી જોઇને લાઇનમાં ઊભા રહેવાની એને ઇચ્છા ન થઇ. પરંતુ બધી ફિકર-ચિંતા ઘરે મૂકીને આવેલા ભાવિકોને ગોપાલાના સૌથી પહેલાં દર્શન, પહેલવહેલી ઝાંખી કરવા સિવાય બીજા કશામાં રુચિ નહતી, પણ યુવતીને કોઇ બીજો જ રસ હતો...એની ચકોર નજર આમતેમ ફરી રહી હતી.

અચાનક સુબ્બલક્ષ્મીનો અવાજ અટક્યો ને માઇક પર દર્શન ખુલ રહે હૈની ઘોષણા થઇ... બે વારની ઘોષણા પછી ફરી સુબ્બલક્ષ્મીનો મધુર અવાજ ભક્તિભર્યા માહોલમાં ગૂંજ્યો. લાંબા સમયથી કતારમાં ઊભેલા શુષ્ક લોકો સતર્ક થઇ ગયા...ગોપાલાની પહેલવહેલી ઝાંખી કરવા સજ્જ થઇ ગયા. મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્યો ને ભક્તોએ દોટ મૂકી. ગોપાલ લલ્લા કી જય... હરિ ગોપાલા....હરિ ગોપાલાના નાદ વચ્ચે મંગળાની આરતી શરૂ થઇ. કીર્તનિયાઓએ તબલાં, હાર્મોનિયમ, પખવાજને તાલે મંગલગાન છેડ્યું:

મંગલ આરતી કર મન મોર, 
ભરમની સાંજ બીતી ભયી ભોર....  

મંગલ આરતી પૂરી થઇ. દર્શનાર્થીઓ એક દ્વારથી પ્રવેશીને સામેના બીજા દ્વારમાંથી આપોઆપ બહાર ધકેલાવા લાગ્યા હતા. ભાવિકોની ભરતી અને ઓટ એકસાથે જોવા મળતી હતી. લલ્લાની ઝાંખીની અનેરી પળ માણીને બહાર નીકળેલાં લોકોના ચહેરા પર ધન્યઘડી...ધનભાગ્ય છલકાતા હતા. કોઇની માનતા પૂરી થઇ હતી...કોઇએ નવી માનતા માની હતી....કોઇએ દુ:ખ હરી લેવા વિનવણી કરી હતી. કોઇએ સુખાકારીની આજીજી કરી હતી....ગોપાલાનું આ મંદિર આસ્થાળુઓનું શરણું હતું.  
*****

યુવતી દર્શન કરીને બહાર આવતા શ્રદ્ધાળુઓના ધક્કાઓ અને હડસેલા ખાતી ચબૂતરા જેવા વિશાળ પરિસરની દીવાલો પરનાં ચિત્રો ધ્યાનથી જોવામાં તલ્લીન હતી. પ્રત્યેક ચિત્રમાં ગોપાલાની મનમોહક મુખાકૃતિ, એની ભાવવાહી કણામય આંખો, મટકી, માખણ, વાંસળી, ગાય-વાછરડા, મોરપિચ્છની ઝીણવટભરી બારીક કરામતો, અકલ્પનીય રંગછટા અને ચિત્રકારની પીંછીના લહેરાતા લસરકા જોતી યુવતીની નજર ચિત્રની નીચે સ્વઅક્ષરે લખેલાં ચિત્રકારના નામ પર ચોંટી ગઇ. `દેવીપ્રસાદ શર્મા.' એવામાં યુવતીના કાને ભક્તજનોમાંથી કોઇનો અવાજ આવ્યો: `દરસન પંદરહ મિનિટ મેં બંધ હો જાવેગો...' હવે યુવતી અંદર પ્રવેશી...ધાર્યું કામ પાર પાડવા....માનેલી માનતા પૂરી કરવા....                                              (ક્રમશ:)