Mon Sep 14 2026

Logo

રાજકોટની હોસ્ટેલમાં આહીર વિદ્યાર્થિનીના મોતથી સમાજ ભડક્યો, શરીર પર કાળા ડાઘ શાના પડી ગયેલા ?

2026-07-04 10:03:00
Author: Mayur Patel
રાજકોટની હોસ્ટેલમાં આહીર વિદ્યાર્થિનીના મોતથી સમાજ ભડક્યો, શરીર પર કાળા ડાઘ શાના પડી ગયેલા ?

રાજકોટઃ શહેરની જાણીતી હોસ્ટેલમાં આહીર વિદ્યાર્થિનીના મોતથી સમાજ ભડક્યો હતો. વિદ્યાર્થિનીના શરીર પર કાળા ડાઘ પડી ગયા હતા. જેને લઈ આહીર સમાજે તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટના જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હૉસ્ટેલમાં ભાવનગરના આહીર સમાજની એક દીકરી રહેતી હતી. એપ્રિલ મહિનામાં પરિવાર તેને અભ્યાસ માટે હૉસ્ટેલ મૂકવા આવ્યો હતો. 24 જૂને હૉસ્ટેલમાંથી ફોન કરીને દીકરીને પગમાં દુખાવો અને ખાલી ચડી ગઈ હોવાની જાણ કરવામાં આવી હતી.

જેથી યુવતીના પિતાએ તપાસ કરતાં તેમની દીકરીને અછબડા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તબિયત ખરાબ થતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે પરિવારજનો હૉસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં પુત્રીનું મોત થઈ ચૂક્યું હતું. પરિવારજનોના આક્ષેપ મુજબ, હૉસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ અછબડાની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી ત્રણ આઈસીયુમાં હોવા છતાં પરિવારજનોને માહિતી અપાઈ નહોતી. તેમની દીકરીના શરીર પર જોવા મળેલા ઘા અછબડાના નથી, તેનું શરીર કાળું પડી ગયું હોવાથી કોઈ અત્યાચાર કે અન્ય ગંભીર ઘટના ઘટી હોવાની આશંકા મૃતકના પિતાએ વ્યક્ત કરી હતી.

ઘટનાના પગલે  આહીર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. પીડિત પરિવાર અને આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. આહીર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલાની તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી  હતી.