ભુજઃ ગુજરાતની ફળદ્રુપ જમીન અને નિવસનતંત્ર માટે વર્ષોથી માથાના દુખાવા સમાન બનેલો આક્રમક ‘ગાંડો બાવળ’ (પ્રોસોપિસ જુલીફ્લોરા) હવે દેશની ગ્રીન એનર્જી ક્રાંતિનો મુખ્ય આધાર બનવા જઈ રહ્યો છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી (કંડલા બંદર) ખાતે દેશનો પ્રથમ ગ્રીન મેથેનોલ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં મક્કમ ડગ માંડવામાં આવ્યા છે.
લાંબા સમયથી રણપ્રદેશ કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જમીનની ફળદ્રુપતા ઘટાડવા અને સ્થાનિક વનસ્પતિઓને નુકસાન પહોંચાડવા માટે બદનામ આ કાંટાળું વૃક્ષ હવે ક્લીન ફ્યુઅલ (સ્વચ્છ બળતણ) તરીકે પુનર્જન્મ લેશે. આ પ્રકલ્પના માધ્યમથી ગાંડા બાવળનો ઉપયોગ બાયોમાસ તરીકે કરીને તેમાંથી ગ્રીન મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. આ પગલું માત્ર પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવામાં જ નહીં, પરંતુ વેરાન જમીનને આક્રમક વનસ્પતિથી મુક્ત કરવામાં પણ મદદરૂપ થશે. હાલમાં ભારતની વાર્ષિક મેથેનોલની માંગ આશરે ૨.૮ મિલિયન ટન જેટલી છે, જે ઉત્તરોત્તર વધી રહી છે.
કંડલા ખાતેનો આ પ્રકલ્પ ભારતને માત્ર ગ્રીન મિથેનોલના વપરાશકર્તા તરીકે જ નહીં, પરંતુ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા) ખાતે સ્થાપનારા આ પ્લાન્ટનો મુખ્ય ધ્યેય પ્રદૂષણ રહિત ઇંધણનું ઉત્પાદન કરી આયાત નિર્ભરતામાં ઘટાડો કરવાનો છે. ૨૦૨૬ના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં કાર્યરત થવાની શક્યતા ધરાવતો આ પ્રોજેક્ટ ભારતની સ્વચ્છ બળતણ તરફની સંક્રમણ પ્રક્રિયા એટલે કે, ક્લીન ફ્યુઅલ ટ્રાન્સીશનમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. નિષ્ણાતોના મતે, કંડલા પોર્ટની ભૌગોલિક સ્થિતિ અને કાચા માલ તરીકે ગાંડા બાવળની પુષ્કળ ઉપલબ્ધતાને કારણે આ પ્રોજેક્ટ આર્થિક અને પર્યાવરણીય એમ બંને દૃષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થશે.
(ઉત્સવ વૈદ્ય)