Wed Sep 16 2026

Logo

4.12 કરોડના એમડી સાથે ત્રણ પકડાયા

2026-03-25 19:13:00
Author: Yogesh C. Patel
4.12 કરોડના એમડી સાથે ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
થાણેની એન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ નશીલા પદાર્થની હેરફેર સાથે સંકળાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી અંદાજે 4.12 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સોહેલ દિલીપ ખાન (26), રોહિત વિલાસ સિતાપુરે (21) અને રાજેશ હડાવલે (23) તરીકે થઈ હતી. ત્રણેય આરોપીને કોર્ટે 28 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

થાણેના ચરઈ વિસ્તારમાં એમટીએનએલ ઑફિસ સામે અમુક શકમંદો ડ્રગ્સની ડિલીવરી માટે આવવાના હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે સોમવારે છટકું ગોઠવી સોહેલ અને વિલાસને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અંદાજે 4.12 કરોડ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું.

પકડાયેલા બન્ને આરોપીની પૂછપરછ અને ગુનાહિત ભૂતકાળનો રેકોર્ડ તપાસી પોલીસે બન્ને આરોપીના સાથી રાજેશની થાણેના કોપરી પરિસરમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની તપાસ પોલીસ કરી રહી છે.