Mon May 04 2026

Logo

સાવકી બહેન પર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી: વિશેષ પોક્સો કોર્ટે યુવકને નિર્દોષ છોડ્યો

2026-04-19 18:16:20
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણેની વિશેષ પોક્સો કોર્ટે સગીર સાવકી બહેન પર બળાત્કાર ગુજારવા અને તેને ગર્ભવતી બનાવવાના આરોપોનો સામનો કરી રહેલા યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે પીડિતાએ ફેરવી તોડ્યું હતું અને ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું હતું કે તે બાળકનો પિતા નથી.

વિશેષ પોક્સો જજ રૂબી યુ. માલવણકરે યુવકને (ઘટના સમયે 20 વર્ષની વયનો હતો) ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ નિર્દોષ જાહેર કર્યો હતો. 

તપાસકર્તા પક્ષ મુજબ યુવકે ડિસેમ્બર, 2023માં તેની સાવકી બહેનને ઘેનયુક્ત ઠંડુંપીણું આપ્યું હતું અને બાદમાં તેની સાથે કથિત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા બાદમાં ગર્ભવતી બની હતી અને તેણે સપ્ટેમ્બર, 2024માં બાળકને જન્મ આપ્યો હતો.

ટ્રાયલ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે આરોપીએ તેને કોઇ નશીલો પદાર્થ આપ્યો નહોતો અને જાતીય સતામણી કરી નહોતી. પીડિતાએ ઉમેર્યું હતું કે તેણે તેને ‘ડરને કારણે’ ફસાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીએ ગુનો આચર્યો હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. કોર્ટે 17 એપ્રિલે આપેલા આદેશમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. (પીટીઆઇ)