થાણે: મુંબ્રાના ક્લિનિકમાં 2023માં 15 વર્ષની સગીરા પર જાતીય હુમલો કરવાના કેસમાં થાણેની પોક્સો કોર્ટે 32 વર્ષના ડેન્ટિસ્ટને નિર્દોષ છોડ્યો હતો. ગુના સાથે ડેન્ટિસ્ટને જોડતા તેમ જ પીડિતા અને તેની માતાએ ટ્રાયલ દરમિયાન ફેરવી તોળતાં આરોપી વિરુદ્ધ કોઈ જ પુરાવા ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.
સ્પેશિયલ જજ (પોક્સો ઍક્ટ) પ્રેમલ વિઠલાનીએ મંગળવારે આપેલા આદેશમાં ડેન્ટિસ્ટને બેકસૂર જાહેર કર્યો હતો. આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ થઈ હતી.
25 ડિસેમ્બર, 2023ના રોજ આ કથિત ઘટના બની હતી. સગીરા તેની નાની બહેન સાથે દાંતની સારવાર માટે મુંબ્રામાં આવેલી ડેન્ટિસ્ટની ક્લિનિકમાં ગઈ હતી. તે સમયે ડેન્ટલ ચૅરમાં ડેન્ટિસ્ટે કિશોરી પર કથિત જાતીય હુમલો કર્યો હતો. આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354-એ(1)(આઈ) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની કલમ 8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જોકે ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષના બે મુખ્ય સાક્ષીદારે મૂળ ફરિયાદને ટેકો આપ્યો નહોતો.
આરોપીએ અયોગ્ય વર્તન કરીને જાતીય હુમલો કર્યો હોવાની કોઈ પણ માહિતી દીકરીએ ફોન પર આપી હોવાની વાતનો માતાએ ઇનકાર કર્યો હતો. એ સિવાય સગીરાએ પણ ફરિયાદ પક્ષના કેસને ટેકો આપ્યો નહોતો.
સગીર વયની પીડિતા તેની બહેન સાથે ક્લિનિકમાં ગઈ હતી, જ્યાં તેની દાંતની સારવાર કરાઈ હતી. તે દિવસે આવી કોઈ ઘટના બની ન હોવાનું સગીરાએ કહ્યું હતું.
પીડિતા દ્વારા જ ઘટનાના ઇનકારને ધ્યાનમાં રાખી જજે નોંધ કરી હતી કે પીડિતાનું નિવેદન જેમની હાજરીમાં નોંધવામાં આવ્યું તે પોલીસ અધિકારીના પુરાવા આરોપી સામેના આરોપ સિદ્ધ કરી શકે નહીં. તેથી રેકોર્ડ પર આરોપીને કથિત ગુના સાથે જોડતા કોઈ પુરાવા ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
(પીટીઆઈ)