થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2021માં અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા અને 90 ટકા કાર્યાત્મક દિવ્યાંગતાનો ભોગ બનેલા 29 વર્ષના યુવકને 86.62 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય આર. વી. મોહિતેએ પોતાના આદેશમાં ટ્રકના માલિક તેમ જ ઇફકો-ટોકિયો જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે દાવેદાર કુણાલ નરેશ ટંડેલને નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવ્યા છે.
દાવેદાર વતી હાજર વકીલ સચિન માનેએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે 12 ઑગસ્ટ, 2021ના રોજ આ અકસ્માત થયો હતો, જ્યારે કુણાલ ટંડેલ (એ સમયે 24 વર્ષનો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી) થાણે જિલ્લામાં વસઇ-નવાપુર માર્ગ પરથી મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલી ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
ટંડેલની ઇજાઓની ગંભીરતાનું મૂલ્યાંકન કરતી વખતે ટ્રિબ્યુનલના સભ્યએ તેના ભવિષ્ય અંગે અનેક મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યાં હતાં. દાવેદારની કાર્યાત્મક દિવ્યાંગતાની આકારણી કરતાં તે ઘટી ગઇ છે. આથી તેની કાર્યાત્મક દિવ્યાંગતાનું મૂલ્યાંકન 90 ટકા સૂધી કરવામાં આવે છે, એમ ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.
ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો કે કુલ વળતરમાંથી 20 લાખ રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટમાં મૂકવામાં આવે અને બાકીના રૂપિયા તેના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. (પીટીઆઇ)