થાણે: થાણે જિલ્લામાં પેટ્રોલ પંપ માટે એનઓસી આપવા બદલ પચીસ હજાર રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ વનવિભાગના બે કર્મચારીની ધરપકડ કરી હતી.
આરોપીઓની ઓળખ ફોરેસ્ટર વિલાસ શિવાજી સાનપ અને ફોરેસ્ટ ગાર્ડ રેખા ગાયકવાડ તરીકે થઇ હોઇ બંને કલ્યાણ તાલુકા હેઠળ મમનોલી ખાતેના કુંદામાં વનવિભાગની ઓફિસમાં કાર્યરત હતાં, એમ અધિકારીએ કહ્યું હતું.
ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી) અનિલ જયકરે જણાવ્યું હતું કે ફરિયાદીને નવો પેટ્રોલ પંપ શરૂ કરવા માટે મંજૂરી મળી ગઇ હતી અને વનવિભાગ પાસેથી નૉ-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)ની જરૂર હતી.
ફરિયાદી એનઓસી માટે અરજી કરી ત્યારે વિલાસ સાનપે તે માટે પચાસ હજાર રૂપિયાની માગણી કરી હતી. તડજોડને અંતે તે પચીસ હજાર રૂપિયા સ્વીકારવા તૈયાર થયો હતો.
દરમિયાન આ પ્રકરણે એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં અધિકારીઓએ વનવિભાગની ઓફિસમાં બુધવારે છટકું ગોઠવ્યું હતું અને સાનપ વતી લાંચ સ્વીકારવા આવેલી રેખા ગાયકવાડને પકડી પાડવામાં આવી હતી. બાદમાં સાનપને પણ તાબામાં લેવાયો હતો. બંને વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)