Wed Sep 16 2026

Logo

સગીરાનું જાતીય શોષણ ‘જઘન્ય’: થાણેની વિશેષ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી

2026-02-25 16:57:00
Author: Yogesh D. Patel
સગીરાનું જાતીય શોષણ ‘જઘન્ય’: થાણેની વિશેષ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી

થાણે: થાણેની વિશેષ પોક્સો કોર્ટે 2021માં સગીરાનું જાતીય શોષણ કરવા બદલ આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ગુનો ‘જઘન્ય’ હતો અને તેમાં કોઇ દયા દાખવવી નહીં જોઇએ. જોકે આરોપીનો ડીએનએ રિપોર્ટ પીડિતાના શીશુ સાથે મૅચ થતો નહોતો. આમ છતાં તેની વિરુદ્ધ પૂરતા મૌખિત અને દસ્તાવેજી પુરાવાઓને જોતાં એવું કહીં શકાય નહીં કે તેણે પીડિતાનું જાતીય શોષણ કર્યું નથી, એમ એડિશનલ સેશન્સ જજ ડી.એસ. દેશમુખે જણાવ્યું હતું.

જજ દેશમુખે આરોપી સદ્દામ અક્કાચ મોલ્લાને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની વિવિધ કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો. આરોપીને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ રકમ વસૂલીને પીડિતાને આપવાનો આદેશ આપ્યો હતો.

તપાસકર્તા પક્ષ અનુસાર મે, 2021માં આ ઘટના બની હતી. કાશીમીરા વિસ્તારના રહેવાસી સદ્દામે ટ્યૂશન ક્લાસીસમાં જઇ રહેલી પીડિતાને માર્ગમાં આંતરી હતી. 
હિન્દીમાં પત્ર લખવા માટે મદદ જોઇતી હોવાનું બહાનું કરીને તે પીડિતાને પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ઑગસ્ટ, 2021માં સગીરાના પેટમાં દુખાવો ઊપડ્યો હતો અને તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. ટ્રાયલ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે પીડિતા પર અલગ અલગ ઘટનાઓમાં બે વ્યક્તિએ જાતીય શોષણ કર્યું હતું અને પોલીસે બે કેસ નોંધ્યા હતા. 

બચાવ પક્ષે આરોપીના છુટકારા માટે દલીલ કરી હતી અને કહ્યું હતું કે ડીએનએ રિપોર્ટ પીડિતાના શીશુ સાથે મૅચ થતો નથી. જોકે જજે પીડિતાની જુબાની અને તબીબી પુરાવાને આધારે દલીલને ફગાવી દીધી હતી. (પીટીઆઇ)