Mon Sep 07 2026

Logo

સગીર પર જાતીય હુમલાના કેસમાં યુવાનને 10 વરસની સખત કેદ

2026-03-12 18:12:00
Author: Yogesh C. Patel
સગીર પર જાતીય હુમલાના કેસમાં યુવાનને 10 વરસની સખત કેદ

થાણે: થાણેની ફાસ્ટ-ટ્રેક કોર્ટે 13 વર્ષના છોકરા પર જાતીય હુમલો કરવાના લગભગ સાત વર્ષ જૂના કેસમાં 34 વર્ષના યુવાનને 10 વરસની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે સાતમી માર્ચે આપેલા ચુકાદાની નકલ ગુરુવારે ઉપલબ્ધ થઈ હતી. ચુકાદામાં જજ વી. એ. પતરાવળેએ કસૂરવાર વિકી ઉર્ફે ગુડ્યા દત્તા થોરાતને 10 વરસની જેલ અને 31 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વિશેષ સરકારી વકીલ કદંબિની ખંડાગળેના કહેવા અનુસાર ઘટના 8 સપ્ટેમ્બર, 2018ના રોજ બની હતી. ઉલ્હાસનગર પરિસરમાં આવેલા જાહેર શૌચાલયમાં થોરાતે સગીર પર સાથે કુકર્મ કર્યું હતું. સગીરે કોર્ટમાં જણાવ્યું હતું કે બનેલી ઘટનાની કોઈને જાણ કરી તો જાનથી મારવાની ધમકી થોરાતે આપી હતી.

બચાવ પક્ષે દાવો કર્યો હતો કે છોકરાના શરીર પર ઇજા દેખાતી નથી અને તેના નિવેદનમાં પણ વિસંગતિ છે. જોકે કોર્ટે આ દલીલ નકારી કાઢી હતી. કોઈ પણ તબીબી પુરાવા કોઈ પણ સમર્થન ન આપતા હોવા છતાં સગીરે આપેલી જુબાની વિશ્ર્વસનીય અને માનવાજોગ છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે પીડિત અથવા તેના પરિવારને આરોપી સાથે કોઈ વિવાદ હતો, એવું કશું પણ રેકોર્ડ પર લવાયું નથી. તેથી આરોપીને સંડોવવા વાત ઉપજાવી કાઢવામાં આવી છે, એવું માનવાને કોઈ કારણ નથી.
ફરિયાદ પક્ષે નવ સાક્ષીદારને તપાસ્યા હતા,

જેમાં પીડિત અને તેના વાલીઓનો સમાવેશ થતો હતો. કોર્ટે ભારતીય દંડ સંહિતા અને પોક્સો ઍક્ટ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. તેની પાસેથી વસૂલવામાં આવનારી દંડની રકમ સગીરને ચૂકવવાનું કોર્ટે ચુકાદામાં કહ્યું હતું. (પીટીઆઈ)