Sun Oct 04 2026

Logo

પત્ની પર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેનાર સિક્યોરિટી ગાર્ડને આજીવન કારાવાસ

2026-09-10 17:42:16
Author: Yogesh D. Patel
પત્ની પર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેનાર સિક્યોરિટી ગાર્ડને આજીવન કારાવાસ

થાણે: થાણે જિલ્લાની કોર્ટે દારૂ માટે રૂપિયા આપવાનો ઇનકાર કરનારી પત્ની પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી દેનારા 28 વર્ષના સિક્યોરિટી ગાર્ડને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ આર. વી. તામ્હાણેકરે 31 ઑગસ્ટે આદેશ જારી કર્યો હતો, જેની નકલ બુધવારે પ્રાપ્ત થઇ હતી.

વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનની હદમાં ઉલ્હાસનગર-4 ખાતે ગુરુદ્વારાની નજીક સતનામ સાકી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પંદરમી જુલાઇ, 2013ના રોજ આ ઘટના બની હતી. તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપી મહાનમસિંહ ઉર્ફે રોબિન માનસિંગ થાપાએ દારૂ ખરીદવા માટે તેની પત્ની નન્હી ઉર્ફે નંદી મહા પાસે રૂપિયા માગ્યા હતા.

પત્ની રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપી રોષે ભરાયો હતો. તેણે પત્નીની મારપીટ કરી હતી અને બાદમાં શરીર પર કેરોસની છાંટી તેને જીવતી સળગાવી દીધી હતી. 90 ટકા દાઝેલી પત્નીને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 17 જુલાઇ, 2013ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મૃતકની સગીર પુત્રી (જે ગુનાની સાક્ષીદાર હતી) સહિત તપાસકર્તા પક્ષના સાક્ષીદારોની જુબાની અને મૃત્યુ પૂર્વે આરોપીની પત્નીએ પોલીસ અધિકારી અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદન આધાર રાખીને કોર્ટે આરોપીના બચાવને ફગાવી દીધો હતો કે તેની પત્ની સ્ટવ ફાટવાને કારણે દાઝી ગઇ હતી.

કોર્ટે આરોપી થાપાને આજીવન કારાવાસ ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધારાની ત્રણ મહિનાની સખત કેસની સજા સંભળાવી હતી. (પીટીઆઇ)