થાણે: થાણે જિલ્લાની કોર્ટે અપહરણ બાદ છોકરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં 26 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પીડિતા પુખ્ત વયની હતી અને સંબંધ સંમતિથી બંધાયો હતો. વિશેષ પોક્સો કોર્ટના જજ પ્રેમલ વિઠલાણી (પોક્સો એક્ટ) 29 ઑગસ્ટે જારી કરેલા પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપી અને પીડિતા રિલેશનશિપમાં હતાં.
તપાસકર્તા પક્ષે દાવો કર્યો હતો કે થાણેમાં રહેતી પીડિતા 17 વર્ષની હતી અને 14 જૂન, 2019ના રોજ તેનું આરોપીએ અપહરણ કર્યું હતું. આરોપી તેને ઉત્તર પ્રદેશ લઇ ગયો હતો, જ્યાં જબરજસ્તી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતા બાદમાં ગર્ભવતી બની હતી અને તેણે ફેબ્રુઆરી, 2021માં બાળકને જન્મ આપ્યો હતો.
આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રને ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. થાણે જિલ્લાની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી હતી અને કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે પીડિતા સ્વેચ્છાએ આરોપી સાથે ઉત્તર પ્રદેશ ગઇ હતી. (પીટીઆઇ)