Mon Sep 07 2026

Logo

મહારાષ્ટ્રના થાણેમાં ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; 7 લોકોના મોત, બચાવકાર્ય યથાવત

2026-07-31 12:49:00
Author: Vimal Prajapati
મહારાષ્ટ્રના થાણેમાં ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; 7 લોકોના મોત, બચાવકાર્ય યથાવત

થાણેઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં એક ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે નારપોલીમાં આવેલ ભંડારી કંપાઉન્ડમાં એક ચાર માળની કોહિનૂર ઈમારતનો એક મોટો ભાગ અચનાક ધરાશાયી થઈ ગયો હોવાથી સાત લોકોના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. હજી પણ કાટમાળ નીચે અનેક લોકો દટાયેલા હોવાની આંશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ

આ સમગ્ર મામલે જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ, નગરપાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ઈમારતને નગરપાલિકા દ્વારા ‘સી-કેટેગરી’ એટલે કે ખૂબ જ જોખમી જાહેર કરવામાં આવી હતી. આ સાથે ઈમારતને પણ સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી હતી. 

 

કાટમાળ નીચેથી એક મહિલાને જીવંત બહાર કાઢવામાં આવી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ઈમારત ખાલી હતી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરક પર કેટલાક મજૂરો કામ કરી રહ્યાં હતાં. આશંકા એવી પણ છે કે ઈમારતના કાટમાળ નીચે હજી પણ કેટલાક મજૂરો દટાયેલા હોઈ શકે છે. જેમની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી વચ્ચે, NDRF ટીમને મોટી સફળતા મળી છે. કાટમાળ નીચેથી એક મહિલાને જીવંત અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. તેણીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.