અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગમાં અમુક નિશ્ચિત જ્ઞાતિના યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હોવાનો મુદ્દો ફરી એકવખત ચર્ચામાં આવ્યો છે. આ પૂર્વે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની ઇન્ટરવ્યૂમાં અમુક નિશ્ચિત સમાજના યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને તેમાંથી એક યુવાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાના ઉતીર્ણ થઈને આવ્યો હોવાના આક્ષેપો મુદ્દે GPSC અને તેના અધ્યક્ષ પૂર્વ IPS અધિકારી હસમુખ પટેલ વિવાદમાં સપડાયા હતા. ત્યારે ફરી એકવાર આ મુદ્દાની ચર્ચા જાગી છે, કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલ પર આક્ષેપ કર્યા છે.
કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે હસમુખ પટેલ પર પરીક્ષામાં ગેરરીતિ અને જાતિવાદનું ઝેર ફેલાવવાનો આરોપ મૂકતા તેમને તાત્કાલિક તેમના હોદ્દા પરથી હટાવવાની માંગ કરી છે. ઠાકરશી રબારીએ ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં તેમણે કહી રહ્યા છે કે, GPSCની પરિક્ષા બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી આવી છે. હસમુખ પટેલ એક બંધારણીય હોદ્દા પર છે. આગળ તેમણે કહ્યું કે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુંદરા ગામના વતની હોવા છતાં, તેમનાં કાળાં કર્મોને કારણે તેમનું નામ 'હસમુખ' ની જગ્યાએ 'કાળમુખ' રાખવું જોઈએ. જો તેમને પદ પરથી નહીં હટાવાય તો તેમણે સડકથી સંસદ સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અન્યાયના ચોક્કસ દાખલા આપતાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષ ચૌધરી ઉમેદવાર બાદ હવે નરેશભાઈ આયદાનભાઈ રબારી નામના ઉમેદવારે સમગ્ર ગુજરાતમાં લેખિત પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હોવા છતાં, ઇન્ટરવ્યુમાં તેમને ખૂબ જ ઓછા માર્ક્સ આપીને અન્યાય કરવામાં આવ્યો, જેથી તેમનો ક્રમ છેક ૨૦મો થઈ ગયો. આ ઉપરાંત, અગાઉ બનાસકાંઠાના એક ચૌધરી યુવાનને પણ લેખિતમાં પૂરા માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં માર્ક્સ કાપી લેવાયા હતા, જેણે બાદમાં UPSC ની પરીક્ષા પાસ કરી બતાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે લેખિતમાં ૬૪-૬૫% લાવનાર હોશિયાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં માત્ર ૧૦-૧૫% અપાય છે, જ્યારે ૩૯-૪૦% લાવનારને ૯૦% આપીને ભ્રષ્ટાચાર અને પક્ષપાત કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે ઠાકરશી રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી મુખ્ય પ્રધાનને અપીલ કરી છે કે આ અન્યાયી વલણ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું કે હસમુખ પટેલ OBC, SC, ST અને EBC સહિતના તમામ સમાજના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે અને તેમની આશા-અરમાનો રોળી રહ્યા છે. સરકારે જો તાત્કાલિક આ બંધારણીય હોદ્દા પરથી હસમુખ પટેલને નહીં હટાવ્યા, તો ગુજરાતની જનતા અને તમામ સમાજ જ્યાં લડવું પડે ત્યાં એકજૂથ થઈને ઉગ્ર લડત આપશે તેવી ચેતવણી તેમણે આપી છે.