Sat Apr 18 2026

Logo

ટીસીએસ કેસમાં ફરિયાદીનો દાવો: આરોપીએ અગાઉના લગ્ન છુપાવ્યા, ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

2026-04-18 18:53:48
Author: Yogesh D Patel
Article Image

નાશિક: નાશિકમાં ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ (ટીસીએસ) યુનિટમાં જાતીય સતામણીનો શિકાર બનેલી પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓમાંના એક જણે ચાર વર્ષ પૂર્વે તેનું જાતીય શોષણ કરી હતી. તેણે પોતાના અગાઉનાં લગ્ન છુપાવ્યા હતા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી કાર્યસ્થળે તેના ધર્મનું અપમાન કર્યું હતું.

ટીસીએસના નાશિક યુનિટમાં જાતીય સતામણી તેમ જ ધર્મ પરિવર્તન માટે દબાણના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી અને નવ એફઆઇઆર દાખલ કરીને આઠ આરોપીની ધરપકડ કરાઇ હતી. આ પ્રકરણે આંતરિક તપાસ શરૂ કરનાર સોફ્ટવેર કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમને આંતરિક માધ્યમો દ્વારા કોઇ ફરિયાદ મળી નથી. 

પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે દાખલ કરાયેલા એફઆઇઆર અનુસાર તે ચાર વર્ષ અગાઉ આરોપીને મળી હતી, જે એ જ કોલેજમાં સ્નાતક થયો હતો. બાદમાં તેઓ મિત્ર બન્યા હતાં. આરોપીએ ટીસીએસમાં જૉબ મેળવવામાં મદદદ કરવાનું તેને આશ્ર્વાસન આપ્યું હતું.

જુલાઇ, 2022માં તેઓ દેવલાલી કેમ્પ વિસ્તારમાં મળ્યાં હતાં ત્યારે આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેની સાથે બળજબરી કરી હતી.

દરમિયાન પીડિતા ટીસીએસમાં જોડાઇ હતી, જ્યાં આરોપી પણ કામ કરતો હતો. ફેબ્રુઆરી, 2026માં આરોપીની પત્નીએ પીડિતાનો સંપર્ક સાધ્યો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે આરોપી પરિણીત છે અને તેને બે સંતાન છે. પીડિતાએ આ અંગે આરોપીને પૂછતાં તેણે સ્વીકાર્યું હતું કે તેની સાથે લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો નથી. 

આરોપી તેના બે અન્ય સહકર્મીઓ (જેમનાં નામ એફઆઇઆરમાં સહ-આરોપી તરીકે છે) સાથે વારંવાર કંપનીની કેન્ટીનમાં પીડિતાને મળતા હતા અને તેઓ ઘણીવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા, એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.

તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે પીડિતા પર દબાણ કર્યું હતું અને દાવો કર્યો હતો તે એક શ્રેષ્ઠ ધર્મ છે. પીડિતાને અમુક સહ-આરોપીઓ દ્વારા જાતીય સતામણી અને બ્લેકમેઇલનો સામનો કરવો પડ્યો હતો, એમ એફઆઇઆરમાં જણાવાયું હતું.
(પીટીઆઇ)