ભરત ભારદ્વાજ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) સેક્ટરની ટોચની કંપની તાતા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ની નાશિક ઑફિસના કહેવાતા કોર્પોરેટ જિહાદ કાંડે કોર્પોરેટ જગતને ખળભળાવી મૂક્યું છે. આ કાંડની રિંગ લીડર નિદા ખાન નામની હ્યુમન રિસોર્સિસ (એચઆર) એક્ઝિક્યુટિવ હોવાનું કહેવાય છે. નિદા ખાને પોતાની વગનો ઉપયોગ કરીને મોટા ભાગના ટીમ લીડર્સ તરીકે મુસ્લિમોની ભરતી કરી નાંખેલી. નિદા ખાન પોતાના છ મળતિયા ટીમ લીડર્સની મદદથી હિંદુ તથા બીજા ધર્મની છોકરીઓને ટાર્ગેટ કરીને શોષણ અને ધર્માંતરણનું રેકેટ ચલાવતી હતી.
આ ટીમ લીડર્સ પોતાના હાથ નીચે કામ કરતી હિંદુ છોકરીઓને સતત પરેશાન કરીને તેમને પોતાને તાબે થવાની ફરજ પાડતા. તાબે થયેલી છોકરીઓને પોતાની સાથે શરીર સંબધ બાંધવાની ફરજ પાડીને જાતીય શોષણ કરાતું હતું અને ધર્માંતરણ માટે દબાણ પણ કરાતું હતું. આ છોકરીઓને ગૌમાંસ ખાવાની ફરજ પડાતી અને હિંદુ રીત-રિવાજો છોડીને મુસ્લિમોની જેમ રહેવા માટે દબાણ કરાતું હતું.
જે છોકરીઓ તાબે ના થાય તેમને સતત અપમાનિત કરાતી અને જાતજાતના માનસિક ત્રાસ અપાતા હતા. છોકરીઓ ફરિયાદ કરે તો પણ કશું થતું નહીં કેમ કે ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ હતો. રિંગ લીડર નિદા ખાન પાસે ફરિયાદ કરવાની હતી ને નિદા ખાન છોકરીઓને ધમકાવીને તગેડી મૂકતી તેથી પેલા હલકટ, નીચ ટીમ લીડર્સને કશું થતું નહોતું. નિદા અને તેની ગેંગ બહારથી ગરજવાન છોકરીઓને ઊંચા પગારની લાલચ આપીને લઈ આવતી ને તેમને પણ વટલાવી દેતી હતી.
આ ગંદો ખેલ બહુ લાંબા સમયથી ચાલતો હતો ને કોઈ તેને રોકનાર નહોતું પણ એક છોકરીએ નાશિક પોલીસમાં જઈને ફરિયાદ કરી તેમાં ભાંડો ફૂટી ગયો.છોકરી પાસે કોઈ મજબૂત પુરાવા નહોતા તેથી નાશિક પોલીસની નવદુર્ગા ટીમની છોકરીઓએ કંપનીમાં નોકરિયાત બનીને એન્ટ્રી કરીને મજબૂત પુરાવા એકઠા કર્યા પછી હલ્લાબોલ કર્યું. નિદા ખાનને પોલીસના ઓપરેશનની ગંધ આવી ગયેલી એટલે ઉડનછૂ થઈ ગઈ ને અત્યારે વોન્ટેડ છે પણ ટીમ લીડર્સ જેલની હવા ખાતા થઈ ગયા છે.
પોલીસના ઓપરેશનના કારણે શોષણનો ભોગ બનેલી છોકરીઓની હિંમત ખૂલી અને એક પછી એક છોકરીએ સામે આવીને આપવીતી કહેવા માંડી. અત્યાર સુધીમાં 12 છોકરીઓએ પોતે જાતીય શોષણનો ભોગ બની હોવાનું અને ધર્માંતરણ માટે દબાણ થતું હોવાનું સ્વીકાર્યું છે. કેટલીક છોકરીઓએ ગૌમાંસ ખાવાની ફરજ પડાવા સહિતની હરકતો દ્વારા ધાર્મિક લાગણી દુભાવાઈ હોવાનું પણ સ્વીકાર્યું છે. નિદા ખાન અને તેની ટોળીએ પુરુષ કર્મચારીઓને પણ નહોતા છોડ્યા. તેમને વટલાવવાની કોશિશો પણ થયેલી એવું બે પુરુષ કર્મચારીએ સ્વીકાર્યું છે.
આ કાંડની તપાસ ચાલી રહી છે ને તેના છેડા મલયેશિયા ને દુબઈ સુધી અડતા હોવાનું કહેવાય છે. ઈકબાલ નામનો કોઈ માણસ મલેશિયામાં બેઠો બેઠો આ કાંડનો દોરીસંચાર કરતો હોવાની વાત પણ બહાર આવી છે. તેના કારણે કોર્પોરેટ જિહાદ એક કંપની પૂરતી મર્યાદિત નહીં હોવાનું લાગી રહ્યું છે. નિદા ખાન ફરાર છે પણ એ પકડાશે તો હજુ બીજી પણ વાતો બહાર આવશે. આ વાતો કેવી ભયાનક હશે એ ખબર નથી પણ એક બહુ મોટા કાવતરાના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે એવું અત્યારે તો લાગી રહ્યું છે.
નાશિકકાંડ આઘાતજનક છે પણ કમનસીબે કહેવાતા હિંદુવાદીઓ આ મુદ્દે ચૂપ છે. ટીસીએસ મોટી કંપની છે તેથી કંઈક બોલીશું તો ઉપરવાળા નારાજ થઈ જશે એવો ડર હોય કે બીજું કોઈ કારણ છે એ ખબર નથી પણ આ ગંભીર મામલે થવો જોઈએ એવો ઊહાપોહ થયો નથી. આ કાંડમાં ટીસીએસનો કોઈ વાંક નથી પણ કોઈ કોર્પોરેટ કંપનીમાં આવું બની શકે ને કટ્ટરવાદી ધર્માંધ લોકો કોર્પોરેટ કંપનીની આડમાં આવો ગંદો ધંધો કરે એ મોટી વાત છે.
કોર્પોરેટ કંપનીનો ઉપયોગ ધર્માંતરણ માટે થયો હોય એવું પહેલી વાર બન્યું છે તેથી આ ઘટનાની ગંભીરતા અનેક ગણી વધારે છે. નાશિક કાંડ તો પાશેરામાં પહેલી પૂણી હોઈ શકે અથવા હિમશિલાની ટોચ હોઈ શકે એ જોતાં તેને ગંભીરતાથીવાની જરૂર છે પણ બધાં ચૂપ છે. ટીસીએસમાં આ ઘટના બની તેથી તેનું નામ ઉછળ્યું, બાકી આ પ્રકારની ઘટના કોઈ પણ કંપનીમાં થઈ શકે એ વિચારવાની જરૂર છે.
સોશ્યલ મીડિયા પર કેટલાક નમૂના કોર્પોરેટ કલ્ચરને ભાંડી રહ્યા છે. કોર્પોરેટ કંપનીઓ મુસ્લિમો ને નોકરીઓ આપીને હિંદુ વિરોધી કલ્ચરને પોષે છે એવા બકવાસ આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ વાતો વાહિયાત છે ને તેના માટે કંપનીને દોષ ના દઈ શકાય. પહેલી વાત એ કે, કોઈ કંપની નોકરી આપવાની આવે ત્યારે ધર્મના આધારે ભેદભાવ ના કરી શકે. બીજું એ કે, કંપનીઓમાં નોકરી કરનારા બધા મુસ્લિમો ટીસીએસની નિદા ખાન એન્ડ ગેંગ જેવી નીચ માનસિકતા ધરાવતા નથી હોતા તેથી ટીસીએસમાં બન્યું એવું બીજી કંપનીઓમાં પણ બનતું હશે એવું માની લેવાની જરૂર નથી. ટીસીએસમાં જે બન્યું એવું કોઈ બીજી કંપનીમાં પણ બની શકે પણ બધી કંપનીઓમાં નથી બનતું.
ટીસીએસ કંપનીએ તો આ કાંડ બહાર આવ્યા પછી એક સારો નિર્ણય લઈને સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં સંડોવાયેલા બધા કર્મચારીઓને લાત મારીને તગેડી મૂક્યા છે અને નાશિક યુનિટને પણ તાળાં મારી દીધાં છે કે જેથી છોકરીઓને સુરક્ષાનો અનુભવ થાય. બાકીના કર્મચારીઓને મુંબઈ અને પુણેની બ્રાન્ચમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી નાંખી છે. આ નિર્ણયના કારણે બીજી કોઈ દીકરીનું શોષણ થતું હોય ને બોલી ના શકતી હોય તો શોષણ તો અટકશે જ પણ તેની ફરિયાદ પણ ઉપર સુધી થશે કેમ કે છોકરીઓને કોઈ ડર નહીં રહે.
હિંદુઓએ આવી ઘટનાઓ કેમ બને છે એ પણ વિચારવાની જરૂર છે. લવ જિહાદની ઘટનાઓમાં મોટા ભાગે આર્થિક રીતે નબળા પરિવારની હિંદુ કે બીજા ધર્મની છોકરીઓ ફસાય છે. અભાવો અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતી દીકરીઓને મુસ્લિમ યુવકો ખોટો પ્રેમ અને બહેતર જિંદગી ની લાલચ આપીને ભોળવે છે ને પછી નિકાહ કરીને ધર્માંતરણ કરાવી દે છે. છોકરી એટલી આગળ વધી ગઈ હોય કે પાછી જ ના ફરી શકે.
કોર્પોરેટ જિહાદમાં પણ આ જ પ્રકારની મજબૂરી કામ કરે છે ને તેમાં મધ્યમ વર્ગીય કે નિમ્ન મધ્યમવર્ગીય છોકરીઓ ભોગ બનતી હશે. માંડ માંડ નોકરી મળી હોય અથવા નોકરી ના મળતી હોય એવી દીકરીઓને મોટી કંપનીમાં નોકરીની લાલચ આપીને કે મળેલી નોકરીથી હાથ ના ધોવા પડે તેનો ડર બતાવીને તેમનું શોષણ કરાતું હશે. આ ડર કે લાલચને દૂર કરવાનું કામ હિંદુ સમાજે કરવાનું હોય પણ એ કામ અસરકારકતાથી થતું નથી તેથી છોકરીઓ ભોગ બની જાય છે.
હિંદુવાદીઓને આપણી દીકરીઓને સારી નોકરી મળે છે કે નહીં, આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ મજબૂત છે કે નહીં એ જોવામાં રસ નથી પણ હિંદુત્વના નામે ચરી ખાવામાં રસ છે તેથી આ બધી મોંકાણ છે.