Tue Oct 06 2026

Logo

ટીબી મુક્ત ભારત અભિયાન: કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

2026-07-01 18:27:00
Author: Pooja Shah
ટીબી મુક્ત ભારત અભિયાન: કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

અમદાવાદઃ ભારત સરકારના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં ૩૪% અને ટીબીના કારણે થતા મૃત્યુદરમાં ૩૭%નો ઘટાડો નોંધાયો છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતે વર્ષ ૨૦૨૫માં સ્ટેટ્સ વીથ મોસ્ટ ઈમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, તેમ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના અદ્યતન અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓનો અંદાજિત દર પ્રતિ એક લાખ વસ્તીએ ૧૮૬ નોંધાયો છે. જેના આધારે ગુજરાતે દેશના સૌથી ઓછું ટીબીનું ભારણ ધરાવતા રાજ્યોમાં છઠ્ઠો ક્રમ તથા મોટા રાજ્યોમાં ચોથો ક્રમ હાંસલ કર્યો છે.

ચાલુ વર્ષની કામગીરીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી મે–૨૦૨૬ દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રો-રેટા મુજબ નિર્ધારિત ૫૮,૩૩૩ના લક્ષ્યાંક સામે રાજ્યમાં ૫૭,૩૩૪  એટલે કે ૯૮.૩૦% ટીબીના દર્દીઓને શોધી સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. જેમાંથી, ૫૦,૯૨૮ એટલે કે, ૯૧% દર્દીઓ ટૂંકા ગાળામાં જ રોગમુક્ત થયા છે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ૨૪ માર્ચ, ૨૦૨૬થી શરૂ કરાયેલ 'ટીબી મુક્ત ભારત અભિયાન – ૧૦૦ દિવસ ઝુંબેશ' અંતર્ગત રાજ્યના ૫,૦૧૨ ઉચ્ચ જોખમ ધરાવતા ગામોમાં ઘરે-ઘરે જઈ ટીબી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ૨૩.૩૮ લાખ વ્યક્તિઓનું ટીબી સ્ક્રીનિંગ, ૧૫.૦૪ લાખ વ્યક્તિઓની એક્સ-રે તપાસ, ૫.૦૫ લાખ વ્યક્તિઓની સચોટ એનએએટી તપાસ તથા ૩૨,૩૭૭ નવા ટીબી દર્દીઓનું નિદાન કરી સારવાર શરૂ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવક્તા પ્રધાનના જણાવ્યા અનુસાર નિ-ક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧,૦૫,૨૩૮ ટીબી દર્દીઓને રૂ. ૫૭.૬૦ કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જનપ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ નિક્ષય મિત્ર તરીકે જોડાયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૦,૯૯૨ નિ-ક્ષય મિત્રો નોંધાયેલા છે, જેમણે દર્દીઓને ૫,૫૦,૧૮૪ પોષણ કિટોનું વિતરણ કર્યું છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યની ૩,૯૭૧ ગ્રામ પંચાયતોએ 'ટીબી મુક્ત પંચાયત'નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે, જે રાજ્યની કુલ ગ્રામ પંચાયતોના ૨૭% જેટલો હિસ્સો થાય છે.