ગૌરવ મશરૂવાળા
‘ગૌરવ યાર, મારે ખૂબ પૈસા બનાવવા છે.’ મારા એક સારા મિત્રને જ્યારે પણ હું મળું ત્યારે એના મોંઢેથી આ વાકય નીકળે અને નીકળે જ. એ મુંબઈના વૈભવી વિસ્તારમાં રહે છે, સરસ રીતે જામેલો એનો બિઝનેસ છે. એની મૂળભુત જરૂરિયાતો સારી રીતે પૂરી થાય છે એમ કહેવા કરતાં કહેવું જોઈએ કે એ મોટા ભાગની વૈભવશાળી ચીજવસ્તુઓ ધરાવે છે. હું એને પૂછું કે તારે શા માટે આટલી મોટી રકમ જોઈએ છે તો એ પોતાની પાસે જે વસ્તુઓ નથી એનું લાંબું લિસ્ટ બોલી જશે. આ બધી ચીજો હાંસલ કરવા માટે એને પૈસાની જરૂર પડે છે.
અમારે ફાઈનાન્શિયલ પ્લાનરોએ સૌથી પહેલાં તો કલાયન્ટને એનાં આર્થિક લક્ષ્યોનું લિસ્ટ બનાવવાની ફરજ પાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો આ લિસ્ટ એટલે એની પાસે જે કંઈ નથી અને જેને પ્રાપ્ત કરવાની એને ઝંખના છે એ બાબતોની સૂચિ. થોડા સમય બાદ એની પાસે જે કંઈ માલમિલકત છે તેનું લિસ્ટ બનાવવાનું પણ કહેવામાં આવે છે.
ગ્લાસ અડધો ભરેલો છે એવી લાગણી સાથે જીવવું સારું કે ગ્લાસ અડધો ખાલી છે એવી લાગણી સાથે? કઈ બાબતો આપણને સાચકલું સુખ અને સંતોષ આપે છે? કઈ બાબતો આપણને બેચેન, લાલચુ, ઈર્ષ્યાળુ બનાવે છે ને માનસિક તાણ પેદા કરે છે? વગેરે.
અસ્તિત્વ ટકાવી રાખવાની આપણી મૂળભૂત જરૂરિયાત એટલે અન્ન, વસ્ત્ર, પાણી અને રહેઠાણ. આ ચીજો માટે પૈસા ન હોય તો તે સ્થિતિ ચોક્કસપણે સમસ્યારૂપ ગણાય. આ જરૂરિયાતો સંતોષાતી ન હોવાથી અસંતોષ, માનસિક તાણ, બેચેની, વગેરે અનુભવાતાં હોય તો તે યોગ્ય છે. ઘરમાં કોઈ બીમાર હોય અને સારવાર માટે પૈસા ન હોવાથી મન ઉચ્ચક થઈ જાય તો તે સમજી શકાય તેવું છે. તે જ પ્રમાણે, સંતાનને આગળ ભણાવવા માટે પૂરતાં નાણાં ન હોવાથી અસહાયતાની લાગણી જાગે તો તે વાજબી છે, પણ ફોરેનમાં વેકેશન ગાળવા માટે કે લકઝરી કાર ખરીદવા માટે પૂરતા પૈસા ન હોવાથી ટેન્શન થઈ જતું હોય તો તેને વાજબી ન ઠેરવી શકાય.
આપણી પાસે જે કંઈ છે તેનું લિસ્ટ બનાવવું જોઈએ. શરૂઆત અહીંથી કરી શકાય: શું મારી પાસે ભેળસેળ વગરનો શુદ્ધ ખોરાક લઈ શકાય એટલા પૈસા છે? પરિવારને બે ટંક પેટ ભરીને ખાવાનું મળે છે? કપડાંનું શું છે? ઘરના બધા સભ્યો પાસે બધી ઋતુમાં રક્ષણ થઈ શકે એટલાં અને એવાં વસ્ત્રો છે? રાતે નિરાંતે સૂઈ શકાય એવું ઘર છે? ઘર કદાચ નાનું હોઈ શકે, પણ તે ખુદની માલિકીનું છે કે એનું ભાડું ભરવું પડે છે? શકય છે કે ઓફિસ ઘરની બહુ દૂર હોય કે એરિયા પસંદગીનો ન હોય. મનગમતા એરિયામાં ઘર ખરીદવા માટેના પૈસા ન હોય તે બરાબર છે, પણ છતાંય અત્યારે માથાં પર છત તો છે.
રોટી, કપડાં, મકાન અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો બાદ હવે બીમારી, ભણતર અને કેટલીક ભૌતિક સુવિધાઓ પર આવો. બહેતર જીવનશૈલી સૌને પસંદ હોય છે તે વાતનો નકાર ન હોઈ શકે. સૌની પોતપોતાની પસંદગી હોય છે. વધારે ભૌતિક સુખો હાંસલ કરવાની કામના જરૂર કરો. એનુંય લિસ્ટ બનાવો. સૂચિની પ્રત્યેક આઈટમ પર ધ્યાન આપો. તે મેળવવા માટે પૈસા બચાવો અને રોકાણ કરો.
આપણી પાસે જે કંઈ છે તેને આપણે ઘણી વાર હળવાશથી લઈ લેતાં હોઈએ છીએ. આપણે કૃતાર્થતા અનુભવવાનું ચૂકી જઈએ છીએ. આપણું ધ્યાન હંમેશાં એ જ બાબતો પર હોય છે જે આપણી પાસે નથી હોતી. મારો ફલેટ 14મા માળ પર છે, જેમાંથી હું ખૂબસૂરત હેંગિંગ ગાર્ડન, બે તરફ દરિયો, સુંદર સૂર્યોદય, મનોહર સૂર્યાસ્ત જોઈ શકું છું અને સાથે સાથે ગટર, કચરાનો ઢગલો અને આંખને ન ગમે એવી બીજી વસ્તુઓ પણ જોઈ શકું છું. બન્ને પ્રકારની ચીજો અસ્તિત્વ ધરાવે છે, બન્ને સચ્ચાઈ છે અને બન્નેનો સ્વીકાર થવો જોઈએ. જો હું કેવળ ગટર અને કચરાના ઢગલાને જ જોતો રહું તો તે સાચો અભિગમ નહીં ગણાય.
આપણને આદત છે ખુદની પાસે જે ન હોય એવી વસ્તુઓનું લિસ્ટ બનાવ્યા કરવાની, બીજાઓ પાસે જે હોય તેને ધ્યાનમાં રાખવાની. આ આદત બદલો. તમારી પાસે જે કંઈ છે એનું લિસ્ટ બનાવો અને ત્યાં જ અટકી જાઓ. તમારી પાસે શું છે અને શું નથી એનું લિસ્ટ બીજાઓએ બનાવવું હોય તો ભલે બનાવે. એ એમની સમસ્યા છે, તમારી નહીં.
યોગિક વેલ્થ
લક્ષ્મી એટલે શારીરિક, સામાજિક, આર્થિક અને લાગણીઓ સંબંધિત સંપત્તિ. પૈસાનો સંબંધ ફકત આર્થિક સંપત્તિ સાથે છે. પસંદગી તમારે કરવાની છે.